Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ચંદિગઢમાં ૧ કલાક પાર્કિંગના ૧૦૦૦ રૂપિયા આપવા પડ્યા

દેશભરમાં અનેક સ્થળોએ પાર્કિંગના નામે લૂંટ : એક શખ્સ દીકરાને મૂકવા માટે રેલવે સ્ટેશન આવ્યા હતા, ટ્રેન લેટ હોવાને કારણે ત્યાં ૬૦ મિનિટ રોકાયા હતા

ચંડીગઢ, તા.૨૬ : દેશભરમાં ઘણા સ્થળો એવા છે જ્યાં પાર્કિંગના નામે લૂંટ ચલાવવામાં આવતી હોય છે. આવી જ એક ફરિયાદ ચંડીગઢ રેલવે સ્ટેશનની સામે આવી છે. અહીં પાર્કિંગની જે નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે તેની ખૂબ ટીકા થઈ રહી છે. શહેરના સેક્ટર ૫૨માં રહેનારા એક વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પોતાની ફરિયાદ પહોંચાડી છે. આ શખ્સે એક કલાકના પાર્કિંગ માટે ૧૦૦૦ રુપિયા આપવા પડ્યા હતા. વિક્રમ સિંહે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, તે પોતાના દીકરાને મૂકવા માટે રેલવે સ્ટેશન આવ્યા હતા, પરંતુ ટ્રેન લેટ હોવાને કારણે ત્યાં ૬૦ મિનિટ કરતા વધારે સમય સુધી રહેવુ પડ્યુ હતું. વિક્રમ સિંહ જણાવે છે કે, ૨૪મી સપ્ટેમ્બરના રોજ મારો દીકરો તેના પરિવાર સાથે ચંડીગઢથી રુરકી જતી ટ્રેનમાં જવાનો હતો. વાતાવરણ ખરાબ હોવાને કારણે હું તેમને મૂકવા ગયો હતો. ટ્રેન અમૃતસરથી ચંડીગઢ ૧૧ વાગ્યે પહોંચી જાય છે. હું સવારે ૧૦.૪૦ વાગ્યે રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો. વિક્રમ સિંહ વધુમાં જણાવે છે કે, પાર્કિંગની સ્લિપ પર અમૂક શરતો અને નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં લખવામાં આવ્યુ હતું કે છ મિનિટ માટે ૩૦ રુપિયા, ૧૫ મિનિટ માટે ૫૦ રુપિયા, ૩૦ મિનિટ માટે ૨૦૦ રુપિયા અને ૩૦ મિનિટથી વધારે સમય માટે ૧૦૦૦ રુપિયા લેવામાં આવશે. કોમર્શિયલ અને નોન-કોમર્શિયલ બન્ને વાહનો માટે આ દર નક્કી કરવામાં આવ્યા હતા. ટ્રેન ૪૫ મિનિટ લેટ હતી, તો અમારે ત્યાં રોકાવવુ પડ્યું અને ૧૦૦૦ રુપિયા આપવા પડ્યા.

રેલવે તંત્રનું કહેવું છે કે લોકોએ જે પાર્કિંગ વિસ્તાર નક્કી કરવામાં આવ્યો છે ત્યાં વાહન પાર્ક કરવા જોઈએ, જ્યાં ૩ કલાક માટે ૨૦ રુપિયા લેવામાં આવે છે. રેલવે સ્ટેશન સુપ્રિટન્ડન્ટ જે.પી.સિંહ જણાવે છે કે, આ નવી સિસ્ટમ ખાસકરીને શતાબ્દી એક્સપ્રેસ આવે અને જાય તે સમયની અવરજવરના સંચાલન માટે લાગૂ કરવામાં આવી છે. લોકોએ પિક એન્ડ ડ્રોપ લેનનો ઉપયોગ કરવાના સ્થાને જનરલ પાર્કિંગનો ઉપયોગ કરવો જોઈએ.

ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટિવ કમિટીના પૂર્વ સભ્ય અને પૂર્વાંચલ વિકાસ મહાસંઘના અધ્યક્ષ શશિશંકર તિવારી જણાવે છે કે, જો આ સિસ્ટમમાં સુધારો કરવામાં નહી આવે તો અમે મોટાપાયે વિરોધ કરીશું. છ જ મિનિટમાં તમે કોઈને મૂકીને આવો અથવા લઈને આવો તે શક્ય જ નથી. અને જો કોઈ વ્યક્તિ ભીડને કારણે અથવા તો ટ્રેન લેટ હોવાને કારણે મોડી પડે તો કોણ જવાબદાર ગણાશે?

 

 

(7:17 pm IST)