Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

કાજીરંગા નેશનલ પાર્ક અને ટાઇગર રિઝર્વમાં મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ સદગુરૂ સાથે નાઈટ સફારી કરતા વિવાદ

નાઇટ સફારીને લઇને મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા અને આધ્યાત્મિક ગુરૂ જગદીશ વાસુદેવ (સદગુરૂ) વિવાદમાં ઘેરાઇ ગયા

આસામમાં યૂનેસ્કોની વિશ્વ ધરોહરમાં સામેલ કાજીરંગા નેશનલ પાર્ક અને ટાઇગર રિઝર્વમાં નાઇટ સફારીને લઇને મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા અને આધ્યાત્મિક ગુરૂ જગદીશ વાસુદેવ (સદગુરૂ) વિવાદમાં ઘેરાઇ ગયા છે.

આ ઘટનાને લઇને બે વન્યજીવ સંરક્ષણ કાર્યકર્તાઓએ મુખ્યમંત્રી સરમા અને સદગુરૂ વિરૂદ્ધ પોલીસમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972ના ઉલ્લંઘનની ફરિયાદ નોંધાવી છે.

 

મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ટ્વિટર પર વીડિયો પોસ્ટ કર્યો હતો, તે વીડિયોમાં સદગુરૂને KNPTRમાં જીપ ચલાવતા જોઇ શકાય છે. જીપમાં આગળની સીટ પર મુખ્યમંત્રી સરમા અને પાછળની સીટ પર રાજ્યના પ્રવાસન મંત્રી જયંત મલ્લા બરુઆ ઉભેલા જોવા મળતા હતા. મુખ્યમંત્રીએ ટ્વીટ સાથે લખ્યુ, પૂજ્ય સદગુરૂની હાજરીમાં KNPTR પ્રવાસીઓ માટે ખુલ્યુ. આ દરમિયાન તેમણે સદગુરૂ સાથે જીપ સફારીનો આનંદ પણ લીધો હતો.

 

ખાસ કરીને KNPTR જીપ સફારી માટે સવારે અને બપોરના સમયમાં જ વાહનોને પ્રવેશની પરવાનગી આપવામાં આવે છે. રાતના સમયે ગેંડા, હાથી, વાઘ અને અન્ય વન્ય જીવોની સુરક્ષાને જોતા કોઇ પણ પ્રવાસીને સફારીની પરવાનગી નથી હોતી. તે બાદ પણ મુખ્યમંત્રી સરમાનો સદગુરૂ સાથે નાઇટ સફારીનો વિરોધ મુખ્ય કારણ છે. સદગુરૂ કાજીરંગામાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત ત્રણ દિવસીય ચિંતન શિબિરમાં ભાગ લેવા આવ્યા હતા.

 

ગોલાઘાટના પોલીસ વડા રમનદીપ કૌરે જણાવ્યુ કે KNPTR પાસે મોરોંગિયાલ અને બલિજન ગામના રહેવાસી સોનેશ્વર નારા અને પ્રબીન પેગૂએ મુખ્યમંત્રી સરમા, સદગુરૂ અને પ્રવાસન મંત્રી બરૂઆ સહિત અન્ય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે, તેમણે આરોપ લગાવ્યો કે સૂરજ ઢળ્યા બાદ હેડલાઇટ્સ સાથે જીપ સફારી કરવી વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ, 1972નું ઉલ્લંઘન છે. એવામાં મુખ્યમંત્રી સરમા, સદગુરૂ, પ્રવાસન મંત્રી સહિત અન્યની ધરપકડ કરવી જોઇએ.

 

SP કૌરે કહ્યુ, અમને આ મામલે એક ફરિયાદ મળી છે અને અમે તેની તપાસ કરી રહ્યા છીએ. જોકે, આ વન્ય જીવોની સુરક્ષાના દિશા-નિર્દેશના ઉલ્લંઘનની ઘટના છે. એવામાં વન વિભાગના અધિકારીઓ પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

 

(7:25 pm IST)