Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

મધ્ય પ્રદેશના ખેડૂતની કફોડી સ્થિતિ:ખર્ચ પણ મળતો નથી :300 કિલો ડુંગળી વેચીને માત્ર 2 રૂપિયા મળ્યા

કેવી રીતે ખેડૂતોની આવક ડબલ થશે? : ડુંગળીના ભાવ ના મળતા ખેડૂતો પર આર્થિક સંકટ

મધ્ય પ્રદેશના ડુંગળીના ઉત્પાદક ખેડૂત પરેશાન છે. ડુંગળીની યોગ્ય કિંમત ના મળતા ખેડૂતોની ખરાબ હાલત છે. સ્થિતિ એવી બની ગઇ છે કે ખેડૂત ખર્ચ તો દૂર પણ ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ મુશ્કેલીથી કાઢી શકે છે. શાજાપુર જિલ્લામાં એક આવી જ ઘટના સામે આવી છે. અહી એક ખેડૂત 6 બોરી એટલે કે આશરે 3 ક્વિન્ટન ડુંગળી લઇને માર્કેટમાં પહોચ્યો હતો પરંતુ તેના હાથમાં માત્ર 2 રૂપિયા જ આવ્યા હતા.

શાજાપુર જિલ્લાના માર્કેટમાં ખેડૂતોની ખરાબ હાલતનું જીવંત ઉદાહરણ જોવા મળ્યુ હતુ. કૃષિ મંડીમાં એક ખેડૂત છ બોરી એટલે કે 3 ક્વિન્ટન ડુંગળી લઇને પહોચ્યો હતો. એક બોરીના ભાવ 60 રૂપિયા મળ્યા હતા. બે અન્ય બોરીનો ભાવ 75 રૂપિયા પ્રતિ બોરીના હિસાબથી 150 રૂપિયા મળ્યા હતા. બાકી ત્રણ બોરીનો ભાવ 40 રૂપિયા પ્રતિ બોરીના હિસાબથી 120 રૂપિયા મળ્યો હતો. આ રીતે ડુંગળી વેચ્યા બાદ ખેડૂતનું કુલ 330 રૂપિયા બિલ બન્યુ હતુ.

 

કૃષિ બજારમાં ડુંગળી વેચવા આવેલા ખેડૂતને ટ્રાન્સપોર્ટેશન માટે રૂ. 280 અને તોલના રૂ. 48 ચૂકવવા પડતા હતા. આ રીતે કુલ 328 રૂપિયાનો ખર્ચ બાદ કરતાં ખેડૂતના હાથમાં માત્ર બે રૂપિયા આવ્યા હતા. હવે વિચારવા જેવી વાત એ છે કે આ રીતે ખેડૂતો કેવી રીતે બચશે?

 

મંડીઓમાં ડુંગળીના ભાવ ન મળવાના કારણે ખેડૂતો ખર્ચ પણ ઉઠાવી શકતા નથી. નફો ખૂબ દૂરની વાત છે. ડુંગળી ઉગાડવામાં ખેડૂતને ઓછામાં ઓછા 4-5 મહિના લાગે છે. જો ખેડૂતોની મહેનત દૂર કરવામાં આવે તો પણ તેના પર અનેક પ્રકારના ખર્ચાઓ થાય છે. જો બિયારણ, ખાતર, સિંચાઈનો ખર્ચ ઉમેરવામાં આવે તો તે મુજબ ખેડૂતોની આવક નહિવત્ છે.

કેટલાક ખેડૂતો ભાડા પર જમીન લઈને ખેતી કરે છે તો કેટલાક એવા છે તેઓને તેની સારી કિંમત મળશે તેવી આશા સાથે લોન લઈને ડુંગળી ઉગાડે છે. પરંતુ મંડીઓની હાલતને કારણે ખેડૂતોની હાલત કફોડી બની રહી છે. આ બધા કારણો છે જેના કારણે દરરોજ ખેડૂતોની આત્મહત્યાના સમાચારો જોવા અને સાંભળવા મળે છે.

 

એ જ ડુંગળી જે મધ્યપ્રદેશની મંડીઓમાં એક પૈસાની કિંમતે વેચાઈ રહી છે, જ્યારે તે છૂટક બજારમાં આવે છે ત્યારે તેની કિંમત નોંધપાત્ર રીતે વધી જાય છે. આજે જ્યારે ડુંગળીનું ઉત્પાદન ઓછુ છે તો પણ છૂટક બજારમાં તે 30 રૂપિયા સુધી વેચાઈ રહી છે. બજારમાં ડુંગળી મોંઘી કેમ છે? આ એક મોટો સવાલ છે. જરા વિચારો કે તેનાથી કોને ફાયદો થઇ રહ્યો છે? મંડી સિસ્ટમથી વચેટિયાઓની રમતથી ખેડૂતોની સાથે સાથે સામાન્ય ગ્રાહકોને પણ નુકસાન થઇ રહ્યુ છે.

 

ડુંગળીના ભાવ ના મળતા ખેડૂતો પર આર્થિક સંકટ મંડરાઇ રહ્યુ છે. ખેડૂતો હતાશ છે, એવામાં સવાલ ઉભો થઇ રહ્યો છે કે જ્યારે ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ નહી મળે તો તેમની આવક ડબલ કેવી રીતે થશે. સરકારે 2022 સુધી ખેડૂતોની આવક ડબલ કરવાનું લક્ષ્ય રાખ્યુ હતુ પરંતુ શાજાપુરમાં બનેલી આ ઘટનાએ સરકારના દાવાની પોલ ખોલી નાખી છે.

 

 

(8:02 pm IST)