Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

રાજ ઠાકરેને મળવા પહોંચ્યા દેવેન્દ્ર ફડણવીસ :મહારાષ્ટ્રમાં ભાજપ -MNSના નવા સમીકરણ મુદ્દે અનેકવિધ અટકળ શરૂ

મીટિંગ સાથે જોડાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ

મુંબઈ :મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ MNS પ્રમુખ રાજ ઠાકરેના નવા ઘરે પહોંચ્યા હતા. આમ તો સચિન તેંડુલકરપણ રાજ ઠાકરેને તેમના નવા ઘર ‘શિવતીર્થ’માં મળવા આવી ચુક્યા છે. પરંતુ દેવેન્દ્ર ફડણવીસના આગમનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે.

 દેવેન્દ્ર ફડણવીસની સાથે તેમના પત્ની અમૃતા ફડણવીસ પણ હાજર હતા. આ કારણે એ વાતનું સાચું અનુમાન લગાવવું મુશ્કેલ છે કે આ મુલાકાત પારિવારિક હતી કે પછી રાજકીય? જો આ પારિવારિક મુલાકાત છે તો પણ રાજકારણ સાથે જોડાયેલી વાત ચોક્કસ થઈ હશે. હાલ આ મીટિંગ સાથે જોડાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 

રાજ્ય વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓની હડતાળને લઈને રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આજે તેનો ઉકેલ પણ મળી જાય તેવી શક્યતા છે. રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસની આ મુલાકાત પહેલા ભાજપના નેતા ગોપીચંદ પડલકર અને સદાભાઉ ખોત દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલે ગયા હતા અને તેમને મળ્યા હતા. આ બંને રાજ્ય વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓ વતી મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે.

હડતાળ પર બેઠેલા કર્મચારીઓના મુદ્દાને ઉકેલવા માટે શિવસેનાના નેતા અને પરિવહન પ્રધાન અનિલ પરબ સાથેની બેઠકમાં હાજરી આપવાના થોડા કલાકો પહેલાં જ બંને દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. આ બંને નેતાઓને મળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ સીધા રાજ ઠાકરેના નવા નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ તમામ બાબતોએ ચર્ચાઓને ગરમ કરી છે.

 

આ દરમિયાન મહારાષ્ટ્રમાં આવતા વર્ષની શરૂઆતમાં જ મુંબઈ મહાનગરપાલિકા સહિત અનેક મહત્ત્વની નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાવાની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણીઓમાં પણ દેવેન્દ્ર ફડણવીસની પાર્ટી ભાજપ અને રાજ ઠાકરેની પાર્ટી MNS વચ્ચે ગઠબંધન લગભગ નિશ્ચિત છે.

બેઠકોની વહેંચણીને લઈને અલગ-અલગ જગ્યાએ ચર્ચાઓ ચાલી રહી છે. હાલમાં રાજ ઠાકરેને મળવા જવા પાછળનું કારણ માત્ર દેવેન્દ્ર ફડણવીસ જ જાણે છે. પરંતુ બધા જાણે છે કે રાજ ઠાકરેએ તેમના નવા ઘરમાં પ્રવેશ કર્યો છે. દેવેન્દ્ર ફડણવીસ આ નવા ઘરમાં પહેલીવાર રાજ ઠાકરેને મળવા આવ્યા હતા. જો કે રાજ ઠાકરેને થોડા દિવસો પહેલા જ કોરોના થયો હતો. સ્વાસ્થ્યને લઈને ખબર અંતર જાણવા માટે પણ દેવેન્દ્ર ફડણવીસ રાજ ઠાકરેને મળવા પહોચ્યા હોય, આ શક્યતાને પણ નકારી શકાય નહી.

(12:00 am IST)