Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

જીએસટી નંબર સસ્પેન્ડ કરવા મુદ્દે CGST અને SGSTનાં બેવડાં ધોરણ

SGSTમાં નોટિસ આપ્યા વગર નંબર સસ્પેન્ડ કરવાના કિસ્સા વધ્યા : CGSTમાં નોટીસ આપ્યા પછી નંબર સસ્પેન્ડ કરવાની પધ્ધતિ અનુસરાય છે

નવી દિલ્હી,તા. ૨૫ : વેપારીઓની ભૂલ હોય અથવા તો બોગસ બિલિંગમાં સંડોવણી હોવાનું બહાર આવે તો તેઓના નંબર સસ્પેન્ડ કરતા પહેલા નોટિસ આપવાનો નિયમ જીએસટી કાયદામાં બનાવવામાં આવ્યો છે. તેમ છતાં સ્ટેટ જીએસટીના અધિકારીઓ આવી કોઇ પણ પ્રકારની કાર્યવાહી કર્યા વિના જ વેપારીનો જીએસટી નંબર સસ્પેન્ડ કરી દેવામાં કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે.

જીએસટી નંબર સસ્પેન્ડ કરવામાં સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓની બેવડી નીતિને કારણે વેપારીઓની પરેશાનીમાં વધારો થયો છે. કારણે કે નિયમ પ્રમાણે વેપારીનો જીએસટી નંબર સસ્પેન્ડ કરતા પહેલા તેને નોટીસ આપવાની હોય છે. જેથી વેપારી દ્વારા તેનો જવાબ આપવામાં આવે અથવા તો જવાબ આપવામાં નહીં આવે તો સમયમર્યાદા નંબર સસ્પેન્ડ કરી દેવાનો હોય છે. આ પ્રમાણેની કાર્યવાહી સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે સ્ટેટ જીએસટીના અધિકારીઓ આવી કોઇ પણ કાર્યવાહી કર્યા વિના વેપારીની નંબર પહેલા સસ્પેન્ડ કરી દે છે. તેના કારણે વેપારીઓની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે જેથી નંબર સસ્પેન્ડ કરવા માટે એક જ કાયદો હોવા છતાં બે અલગ અલગ વિભાગો દ્વારા અલગ અલગ કામગીરી કરવામાં આવતી હોવાના લીધે વેપારીઓનો મરો જઇ રહ્યો છે. (૨૨.૬)

SGST અધિકારીની મનસ્વી કામગીરીથી વેપારીઓ ત્રસ્ત

સ્ટેટ જીએસટીના અધિકારીઓની મનફાવે તે પ્રમાણે કાર્યવાહીને કારણે વેપારીને સૌથી વધુ તકલીફ પડી રહી છે. કારણ કે નંબર સસ્પેન્ડ થવાના કારણે વેપારી વેપાર કરી શકતો નથી. સામે વાળો વેપારી પણ તેની પાસેથી માલ ખરીદી કરતો નથી.  કારણ કે આવા વેપારી પાસેથી માલની ખરીદી કરવામાં આવે તો વેપારીની ઇનપુટ ટેકસ ક્રેડિટ મળવા પર પણ પૂર્ણવિરામ મુકાઇ જતું હોય છે. આવી સમસ્યાને કારણે વેપારીની હાલત કફોડી બનતી હોય છે. જેથી આવા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તો જ વેપારીઓની સમસ્યા દૂર થાય તેમ હોવાનું જીએસટીના જાણકારો કરી રહ્યા છે.

(9:58 am IST)