Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

આજે ભારતીય બંધારણ દિવસ : રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઓળખાતા આ બંધારણની 15 ખાસ જાણવા જેવી વાતો

બંધારણને બનાવવામાં કુલ 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો:ભારતીય બંધારણના અંગ્રેજી સંસ્કરણમાં કુલ 1,17,369 શબ્દો

નવી દિલ્હી :આજે 26 નવેમ્બર ભારતીય બંધારણ દિવસ છે. દર વર્ષે 26 નવેમ્બરે આખો દેશ બંધારણ દિવસ તરીકે ઉજવે છે. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. પરંતુ તેને ઔપચારિક રીતે 26 નવેમ્બર 1949ના રોજ પ્રથમ વખત અપનાવવામાં આવ્યું હતું. તેથી જ ભારતમાં 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લેખમાં અમે તમને ભારતના બંધારણની એવી 15 ખાસ વાતો જણાવી રહ્યા છીએ, જે એક ભારતીય તરીકે આપણે જાણવી જ જોઈએ.

ભારતના બંધારણ વિશેની હકીકતો

1. મૂળ ભારતનું બંધારણ હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષાઓમાં લખવામાં આવ્યું હતું.
2. ભારતીય બંધારણને બનાવવામાં કુલ 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો.
3. ભારતીય બંધારણના અંગ્રેજી સંસ્કરણમાં કુલ 1,17,369 શબ્દો છે.
4. ભારતીય બંધારણની મૂળ નકલ હસ્તલિખિત છે. ભારતનું બંધારણ પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા (ભારતીય સુલેખક) દ્વારા ઇટાલિક શૈલીમાં લખવામાં આવ્યું છે.
5. ભારતીય બંધારણના દરેક પૃષ્ઠને શાંતિનિકેતનના કલાકારો દ્વારા શણગારવામાં આવ્યું છે.
6. ભારતના બંધારણની અસલ નકલ ભારતના સંસદ ભવનની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં હિલીયમ ગેસથી ભરેલા કાચની પેટીમાં અત્યંત સલામત અને અનુકૂળ વાતાવરણમાં રાખવામાં આવી છે.
7. ભારતીય બંધારણને આખરી સ્વરૂપ આપવામાં આવે તે પહેલા તેના પ્રથમ ડ્રાફ્ટમાં લગભગ 2000 સુધારા કરવામાં આવ્યા હતા.
8. ભારતના બંધારણની પ્રસ્તાવનામાં, કટોકટી દરમિયાન 1976માં બે શબ્દો સેક્યુલર અને સમાજવાદી ઉમેરવામાં આવ્યા હતા.
9. ભારતીય બંધારણમાં કુલ 470 કલમો, 25 ભાગોમાં 12 શેડયુલ છે.
10. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે.
11. ભારતીય બંધારણના પિતા ડો. ભીમરાવ આંબેડકર કહેવાય છે. તેઓ રાજ્યપાલને વધુ સત્તા આપવા માટે બંધારણમાં સુધારો કરવાના પક્ષમાં હતા. આ અંગેની ચર્ચા દરમિયાન ડૉ. આંબેડકરે તો ત્યાં સુધી કહ્યું હતું કે ‘હું આ બંધારણને બાળનાર પ્રથમ વ્યક્તિ બનીશ. હું એવું ઈચ્છતો નથી.’
12. ભારતના બંધારણને ‘બેગ ઓફ બોરોઈંગ્સ’ પણ કહેવામાં આવે છે. કારણ કે તેની મોટાભાગની જોગવાઈઓ અમેરિકા, યુનાઈટેડ કિંગડમ, ફ્રાન્સ, સોવિયેત યુનિયન, આયર્લેન્ડ સહિતના અન્ય દેશોના બંધારણોથી પ્રેરિત છે.
13. ભારતીય બંધારણ સભામાં કુલ 284 સભ્યો હતા, જેમાંથી 15 મહિલાઓ હતી.
14. ભારતીય બંધારણની પ્રસ્તાવના યુએસ બંધારણની પ્રસ્તાવનાથી પ્રેરિત છે. બંનેની શરૂઆત ‘વી ધ પીપલ’ (‘We the people’)થી થાય છે.
15. ભારતના બંધારણની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ બંધારણોમાં થાય છે. 1950 થી અત્યાર સુધીમાં તેમાં 105 સુધારા કરવામાં આવ્યા છે.

(8:54 pm IST)