Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

બ્રાઝિલઃ સ્‍કૂલમાં ઘુસીને ૧૬ વર્ષના છોકરડાએ કર્યું અંધાધૂંધ ફાયરીંગઃ ૨ શિક્ષકો અને ૧ વિદ્યાર્થીનું મોત

બુલેટપ્રુફ જેકેટ પહેરેલા એક શૂટરે દક્ષિણ પૂર્વી બ્રાઝિલના એસ્‍પિરિટો સેન્‍ટોમાં ૨ સ્‍કૂલોમાં ઘુસીને ૨ શિક્ષકો અને ૧ વિદ્યાર્થીની ગોળી મારીને હત્‍યા કરી દીધી છે

અરક્રૂજ,તા. ૨૬ : બ્રાઝિલમાં ગોળીબારની ઘટના સામે આવી છે. ન્‍યૂઝ એજન્‍સી રોયટર્સના જણાવ્‍યા અનુસાર, બુલેટપ્રુફ જેકેટ પહેરેલા એક શૂટરે દક્ષિણ પૂર્વી બ્રાઝિલના એસ્‍પિરિટો સેન્‍ટોમાં ૨ સ્‍કૂલોમાં ઘુસીને ૨ શિક્ષકો અને ૧ વિદ્યાર્થીની ગોળી મારીને હત્‍યા કરી દીધી છે અને ૧૧ લોકોને ઘાયલ કરી દીધા છે. આ બંને હુમલા એસ્‍પિરિટો સેન્‍ટો રાજયની રાજધાની વિટોરિયાથી લગભગ ૮૦ કિમી દૂર ઉત્તરે આવેલા એક નાના એવા શહેર અરક્રૂજમાં સ્‍થાનિક સમયાનુસાર શુક્રવારે સવારે લગભગ ૧૦ વાગે બની છે. એસ્‍પિરિટો સેન્‍ટોના સાર્વજનિક સુરક્ષા પ્રમુખ માર્સિયો સેલાંટેએ જણાવ્‍યું છે કે, હુમલાખોર એક ૧૬ વર્ષિય છોકરડો છે. તેણે પોતાનો ચહેરો ઢાંકી રાખ્‍યો હતો. જેથી તેને ઓળખવો મુશ્‍કેલ થઈ પડે. તેની ધરપકડ થઈ ચુકી છે.

અધિકારીઓએ જણાવ્‍યું છે કે, ગનમૈને સૈન્‍ય પોશાક પહેર્યો હતો અને એક ખાનગી તથા એક સાર્વજનિક સ્‍કૂલમાં ઘુસીને ગોળીઓ ચલાવી હતી. એસ્‍પિરિટો સેન્‍ટોના ગવર્નર રેનાટો કાસાગ્રાંડેએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, હુમલાખોર સ્‍કૂલનો જ એક જૂનો વિદ્યાર્થી છે. અમારી વિગતો છે કે તે એક મનોરોગી છે અને તેની સારવાર ચાલી રહી છે. અમે આ મામલે તપાસ ચાલુ રાખીશું અને ટૂંક સમયમાં વધારેમાં વધારે જાણકારી ઉપલબ્‍ધ કરાવીશું. અમે ઘાયલ વ્‍યક્‍તિને હેલીકોપ્‍ટરથી સેરા લઈ ગયા છીએ જે અરાક્રૂજથી લગભગ ૬૦ કિમી દક્ષિણમાં આવેલું એક મોટુ શહેર છે. સુરક્ષા કેમેરામાં હુમલાખોરના ફુટેજ મળ્‍યા છે અને તેને સૈન્‍ય પોશાક પહેર્યો છે. જે સેમી ઓટોમેટિક બંદૂકથી ગોળીબાર કરતો દેખાય છે.

એસ્‍પિરિટો સેન્‍ટોના સાર્વજનિક સુરક્ષા સચિવ મર્સિયો સેલાંટેએ સચિવાલયમાં એક વીડિયો જાહેર કર્યો છે. સેલાંટે કહ્યું કે, જેમણે નોટ કર્યું છે કે, પબ્‍લિક સ્‍કૂલમાં તાળું તોડ્‍યા બાદ શૂટરે શિક્ષકોની લોન્‍જમાં પ્રવેશ કર્યો. ગવર્નર રેનાટો કાસાગ્રાંડેએ પીડિત પરિવારો પ્રત્‍યે પોતાની સંવેદના વ્‍યક્‍ત કરી છે અને કહ્યું કે, સ્‍થાનિક સુરક્ષાદળ તપાસમાં લાગેલી છે. બ્રાઝિનલના નવ નિર્વાચિત રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લૂલા ડા સિલ્‍વાએ આ ગોળીબારની ઘટનાને અણધારી ત્રાસદી ગણાવી છે.

(10:50 am IST)