Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

રણપ્રદેશ સાઉદી અરેબિયામાં બારે મેઘ, ખાંગાઃ બેનાં મોતઃ રસ્‍તા પાણી - પાણીઃ કાર તરી

કલાઇમેટ ચેંજની અસર : ૬ કલાકમાં ૩ વર્ષનો વરસાદ વરસી ગયોઃ ૧૭૯મીમી વરસાદ

રિયાધ, તા.૨૬: રણથી ભરેલા સાઉદી અરેબિયામાં ભયંકર તોફાન અને પૂરના કારણે બે લોકોના મોત થયા છે અને ઘણી ફ્‌લાઇટ્‍સ મોડી પડી છે. તોફાની વરસાદની અસર દરિયાકાંઠાના શહેર જેદ્દાહને પણ થઈ હતી. વરસાદ એટલો ભારે હતો કે ઘણા વિસ્‍તારોમાં રસ્‍તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને પાર્ક કરેલી ગાડીઓ તરવા લાગી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ઘણા વીડિયોમાં જોવા મળે છે કે કાર એકની ઉપર ચઢી ગઈ છે. વરસાદના કારણે શાળાઓ બંધ કરવી પડી છે. ૬ કલાકમાં ૩ વર્ષનો વરસાદ વરસી ગયો. કુલ ૧૭૯મીમી પાણી પડતા બધુ જ જળબંબાકાર થઇ ગયુ.

તે જ સમયે, સોશિયલ મીડિયામાં લોકો સાઉદી પિં્રસની ટીકા કરી રહ્યા છે, જે રણમાં નિયોમ શહેર બનાવવા માટે અબજો ડોલરનો ખર્ચ કરી રહ્યા છે, પરંતુ જૂના શહેરો પર ધ્‍યાન નથી આપી રહ્યા. મક્કાની પ્રાદેશિક સરકારે એક ટ્‍વિટમાં કહ્યું કે અત્‍યાર સુધીમાં બે લોકોના મોત થયા છે અને અમે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરીએ છીએ. જેદ્દાહ પણ મક્કા ક્ષેત્રમાં આવે છે, જે દેશનું બીજું સૌથી મોટું શહેર છે. આ શહેરમાં ૪૦ લાખ લોકો રહે છે.

આ ઉપરાંત, મક્કા શહેર પણ મક્કાના વિસ્‍તારમાં આવે છે, જે ઇસ્‍લામમાં સૌથી પવિત્ર શહેર માનવામાં આવે છે. ગુરુવારે ભારે વરસાદ અને પૂરના કારણે બંને શહેરોને જોડતો રસ્‍તો બંધ કરી દેવામાં આવ્‍યો હતો. આ માર્ગનો ઉપયોગ મોટી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ મક્કા જવા માટે કરતા હતા. જોકે, બાદમાં તેને ફરીથી ખોલવામાં આવ્‍યું હતું. સાઉદી અરેબિયાની સત્તાવાર ટીવી ચેનલ અલ ઇખબારિયાએ બતાવ્‍યું કે આ વરસાદ પછી પણ મોટી સંખ્‍યામાં મુસ્‍લિમ શ્રદ્ધાળુઓ પાણીની અંદરથી કાબાની પ્રદક્ષિણા કરતા જોવા મળ્‍યા હતા.

જેદ્દાહની તસવીરોમાં પાણીમાં ડૂબી ગયેલા અનેક વાહનો અને ટ્રાફિક થંભી ગયેલો દેખાય છે. આ ઘટના બાદ સાઉદી પ્રિન્‍સ મોહમ્‍મદ બિન સલમાન નિશાને આવ્‍યા છે. લોકોનું કહેવું છે કે દેશના બીજા સૌથી મોટા શહેર અને પવિત્ર શહેર મક્કામાં વરસાદથી રક્ષણ નથી અને સરકાર નિઓમ શહેર બનાવી રહી છે. સાઉદી અરેબિયા આ ૧૭૦ કિલોમીટર લાંબા નિયોમ શહેરનું નિર્માણ કરી રહ્યું છે જે અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. સાઉદી પ્રિન્‍સ પહાડી રણમાં આ શહેર બનાવી રહ્યા છે. તે વિશ્વનો સૌથી મોંઘો પ્રોજેક્‍ટ માનવામાં આવે છે. આ શહેરને બનાવવા માટે ૫૦૦ અબજ ડોલરનો ખર્ચ થશે.

(10:30 am IST)