Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

આસામે મેઘાલયમાં લોકો અને ખાનગી વાહનો પરનો પ્રતિબંધ ચાલુ રાખ્યો

આંતરરાજ્ય સરહદ પર થયેલી હિંસામાં ૬ લોકોના મોત : મેઘાલયે શનિવારે રાજ્યના ૭ પ્રભાવિત જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ ૪૮ કલાક સુધી લંબાવ્યો

ગુવાહાટી, તા.૨૬ : આસામે આંતરરાજ્ય સરહદ પર વિવાદિત વિસ્તારમાં થયેલી હિંસામાં ૬ લોકોના મોત બાદ શનિવારના રોજ સતત પાંચમાં દિવસે મેઘાલયમાં લોકો અને ખાનગી વાહનોની અવર જવર પર પ્રતિબંધ ચાલુ રાખ્યો હતો. બીજી બાજુ મેઘાલયે શનિવારના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યાથી રાજ્યના ૭ પ્રભાવિત જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ આગામી ૪૮ કલાક સુધી લંબાવ્યો છે. મેઘાલયના હિંસા પ્રભાવિત જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. શિલોંગમાં દુકાનો અને વ્યાવસાયિક સંસ્થાઓ ખૂલી રહી છે અને રસ્તાઓ પર ટ્રાફિક દેખાઈ રહ્યો છે. 

પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે, મેઘાલયની રાજધાનીમાં કોઈ મોટી ઘટના નથી બની. પશ્ચિમી જયંતિયા હિલ્સ જિલ્લામાં માત્ર કેટલાક બદમાશોએ રસ્તા પર ટાયરો સળગાવ્યા હતા. જો કે સુરક્ષા દળોની મોટી માત્રામાં તૈનાતિ વચ્ચે વિવાદિત ક્ષેત્રમાં સીઆરપીસીની કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધિત આદેશો અમલમાં છે. આસામ પોલીસે રાજ્યના લોકોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મેઘાલયની યાત્રા ન કરવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે આસામ-મેઘાલય સરહદ પરના મુક્રોહ ગામમાં મંગળવારના રોજ વહેલી સવારે આસામના વન કર્મીઓએ ગેરકાયદેસર રીતે કાપેલા લાકડાથી ભરેલી એક ટ્રકને અટકાવ્યા બાદ હિંસા થઈ હતી. જેમાં એક ફોરેસ્ટ ગાર્ડ સહિત ૬ લોકોના મોત થયા હતા.

એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, 'અમે આસામના લોકોને હાલમાં મેઘાલયની મુસાફરી ન કરવાનું કહી રહ્યા છીએ. પરંતુ જો કોઈને ઈમરજન્સીના કારણે પાડોશી રાજ્યમાં જવું પડતું હોય તો અમે તેમને મેઘાલયમાં નોંધાયેલ વાહનમાં જવાનું કહીએ છીએ.'

ગુવાહાટીના જોરાબાટ વિસ્તાર અને કછાર જિલ્લામાં મંગળવારના રોજથી બેરિકેડ લગાવવામાં આવ્યા છે જે પહાડી રાજ્યમાં પ્રવેશવાના બે મુખ્ય સ્થળો છે. જો કે કોઈપણ પ્રતિબંધ વિના વાણિજ્યિક વાહનો ચાલું છે. આસામ પેટ્રેલિયમ મજૂર સંઘ દ્વારા ટેક્નરો અને ક્રૂ પર હુમલાની આશંકાથી ગુરૃવારના રોજ આસામમાંથી ઈંધણનું પરિવહન સ્થગિત કરવામાં આવ્યું હતું. પરંતુ મેઘાલય સરકાર દ્વારા સુરક્ષાની ખાતરી બાદ શુક્રવારના રોજ તેને ફરીથી શરૃ કરવામાં આવ્યું હતું.

બીજી બાજુ મેઘાલય સરકારે પશ્ચિમ અને પૂર્વ જયંતિયા હિલ્સ, પૂર્વ ખાસી હિલ્સ, રી-ભોઈ, પૂર્વ પશ્ચિમ ખાસી હિલ્સ, પશ્ચિમ ખાસી હિલ્સ અને દક્ષિણ પશ્ચિમ ખાસી હિલ્સમાં આગામી ૪૮ કલાક એટલે કે સોમવાર સવારે ૧૦.૩૦ વાગ્યા સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પર સ્થગિત કરી દીધી છે. ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શકીલ અહમદ દ્વારા  જારી કરવામાં આવેલા નોટિફેકશનમાં આ માહિતી આપવામાં આવી હતી. સરકારે કહ્યું હતું કે, સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપનો દુરૃપયોગ થઈ શકે છે. જેના કારણે કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી શકે છે. આસામ અને મેઘાલયની વચ્ચે ૮૮૪.૯ કિલોમીટર લાંબી આંતર-રાજ્ય સરહદને અડીને આવેલા ૧૨ વિસ્તારોમાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જે સ્થળે હિંસા થઈ હતી તે વિસ્તારો પૈકી એક છે.

(7:18 pm IST)