Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

૧૦૮ એમ્બ્યુલન્સમાં ડિઝલ ખતમ થતાં દર્દીએ જીવ ગુમાવ્યો

રાજસ્થાનના બાંસવાડાની દર્દનાક ઘટના : દર્દીઓના સગાઓએ ધક્કો મારીને એમ્બ્યુલન્સ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો અને જેમ તેમ હોસ્પિટલ સુધી પહોંચાડી

જયપુર, તા.૨૬ : રાજસ્થાનના બાંસવાડામાં ડીઝલના કારણે દર્દીએ જીવ ગુમાવ્યો. જે ૧૦૮ એમ્બ્યુલન્સમાં દર્દીને હોસ્પિટલ લઈને જઈ રહ્યા હતા રસ્તામાં તેનું ડીઝલ જ ખતમ થઈ ગયુ. જે બાદ પરિવારના લોકોએ ધક્કો મારીને એમ્બ્યુલન્સને ફરીથી ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ઈંધણ સંપૂર્ણ પૂરુ થઈ ગયુ હોવાના કારણે એમ્બ્યુલન્સ ચાલુ જ ના થઈ શકી. જેમ-તેમ કરીને દર્દીને હોસ્પિટલ લઈને પહોંચ્યા પરંતુ ત્યાં સુધી તેઓ મૃત્યુ પામી ગયા હતા.  મળતી માહિતી અનુસાર બાંસવાડાના રહેવાસી વ્યક્તિની તબિયત બગડી ગઈ હતી. પરિવારના લોકોએ ૧૦૮ પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી. થોડા સમય બાદ એમ્બ્યુલન્સ પહોંચી અને દર્દીને લઈને ચાલી ગઈ. દર્દીની સાથે તેમના પરિવારના પણ અમુક લોકો હતા. જિલ્લા હોસ્પિટલના માર્ગે જતા-જતા અચાનક એમ્બ્યુલન્સ રોકાઈ ગઈ. ડ્રાઈવરે જોયુ તો ડીઝલ પૂરુ થઈ ગયુ હતુ. બાદમાં દર્દીની સાથે હાજર લોકોએ નીચે ઉતરીને એમ્બ્યુલન્સને ધક્કો માર્યો પરંતુ કંઈ થયુ નહીં. આ દરમિયાન દર્દીની હાલત વધુ બગડવા લાગી. પછી જેમ-તેમ કરીને દર્દીને જિલ્લા હોસ્પિટલ સુધી લાવવામાં આવ્યા પરંતુ ત્યાં સુધી દર્દી મૃત્યુ પામી ગયા હતા. મૃતકના પરિજનોનું કહેવુ છે કે સરકારની બેદરકારીના કારણે આજે અમારા પરિવારના સભ્યએ જીવ ગુમાવ્યો.

(7:21 pm IST)