Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ઈટાલીના હોલિડે આઈલેન્ડ પર ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં આઠ લોકોના મોત

 કાદવને કારણે ઘણી કાર પહાડી પરથી નીચે ખાબકી:એક વાહન દરિયામાં વહી ગયું : બે લોકોને બચાવી લેવાયા

ઈટાલીના એક હોલિડે આઈલેન્ડ પર ભૂસ્ખલનના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે. આ ઘટના અંગે માહિતી આપતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિનિસ્ટર માટ્ટેઓ સાલ્વિનીએ જણાવ્યું કે ઈટાલીના ઈશ્ચિયા હોલિડે આઈલેન્ડ પર ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં આઠ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું, “ઈસ્ચિયા ભૂસ્ખલનમાં આઠ લોકોના મોત થયા છે. બચાવકર્મી મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે.” અગાઉ ભૂસ્ખલન બાદ તેર લોકો ગુમ થયાના સમાચાર હતા

 ફાયર સર્વિસે અગાઉના અપડેટમાં જણાવ્યું હતું કે ટાપુના ઉત્તરમાં કેસામીસીયોલા ટર્મેમાં “ભૂસ્ખલનથી એક ઘર ધરાશાય થઈ ગયું છે અને સંભવિત ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે”. જ્યારે ANSA અને AGI સમાચાર એજન્સીઓએ બાદમાં અહેવાલ આપ્યો હતો કે સવારે ભૂસ્ખલન બાદ 13 લોકો ગુમ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક પરિવારમાં પતિ-પત્ની અને એક નવજાત બાળકનો સમાવેશ થાય છે, જેઓ તે જગ્યાની નજીક રહેતા હતા જ્યાંથી ભૂસ્ખલન શરૂ થયું હતું.

ફાયર સર્વિસે જણાવ્યું હતું કે કાદવને કારણે ઘણી કાર પહાડી પરથી નીચે ખાબકી હતી. ઓછામાં ઓછું એક વાહન દરિયામાં વહી ગઈ હતી, જેમાંથી બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટનાનો એક ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે, જેના પરથી ભૂસ્ખલન પછીની સ્થિતિ સ્પષ્ટપણે સમજી શકાય છે.

(9:00 pm IST)