Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારી ફરી વિવાદમાં ફસાયા :ચપ્પલ પહેરી આપી શહીદોને શ્રદ્ધાંજલિ

 કોંગ્રેસે શહીદોને આ રીતે શ્રદ્ધાંજલિ આપવાને રાજ્યપાલનું અપમાન ગણાવ્યું :કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવતે એક વીડિયો ટ્વીટ કરીને ગુસ્સો વ્યક્ત કર્યો

મુંબઈ :છત્રપતિ શિવાજી મહારાજ પર અપમાનજનક નિવેદનને લઈને પહેલાથી જ વિવાદોમાં ફસાયેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ ફરી વાર વિવાદમાં ફસાયા છે, 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકી હુમલાને આજે 14 વર્ષ વીતી ગયા છે. આ તકે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આ હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારીઓ અને જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. પરંતુ રાજ્યપાલે શ્રદ્ધાંજલિ આપતી વખતે તેમના ચપ્પલ ઉતાર્યા ન હતા. કોંગ્રેસે શહીદોને આ રીતે શ્રદ્ધાંજલિ આપવાને રાજ્યપાલનું અપમાન ગણાવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવતે એક વીડિયો ટ્વીટ કરીને ગુસ્સો વ્યક્ત કર્યો છે.

 સચિન સાવંતે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ‘શ્રદ્ધાંજલિ આપતી વખતે ચપ્પલ અને જૂતાં ઉતારવા એ ભારતની સંસ્કૃતિ છે, તે ચોક્કસપણે મહારાષ્ટ્રની છે. મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને મહાપુરુષોનું વારંવાર અપમાન કરનારા રાજ્યપાલ શહીદોનો અનાદર કરી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રીએ તેમને મહારાષ્ટ્રની સંસ્કૃતિની યાદ અપાવી હોત તો સારું થાત.

શ્રદ્ધાંજલિ આપતી વખતે માત્ર મુખ્યમંત્રીએ જ પગરખાં ઉતાર્યા ન હતા, પરંતુ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ઉતાર્યા હતા, પરંતુ રાજ્યપાલે ચપ્પલ પહેરીને શ્રદ્ધાંજલિ આપી હતી. આમ કરીને રાજ્યમાં તેમના નામે ફરી એક વિવાદ ઊભો થયો. જ્યારે પ્રતિક્રિયા આવવા લાગી ત્યારે રાજભવન તરફથી પણ જવાબ આવ્યો. એવું કહેવામાં આવ્યું હતું કે મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓએ પણ તેમના પગરખાં ઉતાર્યા નથી.

  થોડા દિવસો પહેલા તેમણે ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ જૂના સમયના આદર્શ બની ગયા છે, આજના આદર્શ ગડકરી છે. આ અંગે ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે બાપ તો બાપ જ હોય છે. નવું શું છે અને જૂનું શું છે? આ પછી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે એમેઝોનથી આવેલું આ કોશ્યરી નામનું પાર્સલ, દિલ્હી પરત મોકલવામાં આવે. તેમણે કેન્દ્ર સરકારને રાજ્યપાલ પર કાર્યવાહી કરવાની માગ કરી, અન્યથા મહારાષ્ટ્ર બંધનો સંકેત આપ્યો.

(9:14 pm IST)