Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

એલન મસ્કે મૅક્ડોનલ્ડ્સ પેમેન્ટ તરીકે ડોજકૉઇનનો સ્વીકાર કરવા ઓફર કરતા ક્રિપ્ટો કરન્સીમાં સુધારો

એલન મસ્કે કહ્યું જો મૅક્ડોનલ્ડ્સ પેમેન્ટ તરીકે ડોજકૉઇનનો સ્વીકાર કરશે તો તેઓ ટીવી પર લાઇવ શોમાં આવીને મૅક્ડોનલ્ડ્સનું હૅપી મીલ આરોગશે

ક્રિપ્ટોકરન્સીના ભાવ મંગળવારે ફરીથી વધવા લાગ્યા એ પાર્શ્વભૂમાં એલન મસ્કે મોટી જાહેરાત કરી છે. મસ્ક પોતાના ફેવરિટ ડોજકૉઇનનો પ્રસાર કરવામાં કંઈ બાકી રાખતા નથી. ટેસ્લાની મર્ચન્ડાઇઝની ખરીદી કરવા માટે ડોજકૉઇન વાપરી શકાશે એવી જાહેરાત કરનારા એલને હવે કહ્યું છે કે જો મૅક્ડોનલ્ડ્સ પેમેન્ટ તરીકે ડોજકૉઇનનો સ્વીકાર કરવા લાગશે તો તેઓ ટીવી પર લાઇવ શોમાં આવીને મૅક્ડોનલ્ડ્સનું હૅપી મીલ આરોગશે. સ્ટેબલકૉઇન યુએસડી કૉઇન (યુએસડીસી)નું માર્કેટ કૅપિટલાઇઝેશન અન્ય સ્ટેબલકકૉઇન ટેથર (યુએસડીટી)ના કૅપિટલાઇઝેશન કરતાં વધારે થઈ ગયું છે. હાલમાં યુએસડીસીનું માર્કેટકૅપ ૪૦.૬ અબજ થયું છે, જ્યારે યુએસડીટીનું માર્કેટકૅપ ૩૯.૮૨ અબજ થયું છે. જોકે યુએસડીટી (ટેથર)ની કુલ સપ્લાય ૭૮.૫ અબજ ટોકન છે, જે એક મોટી વાત કહેવાય. દરમ્યાન, આ લખાઈ રહ્યું છે એ પહેલાંના ૨૪ કલાકની અંદર તમામ અગ્રણી ક્રિપ્ટોકરન્સીના મૂલ્યમાં વધારો થયો છે. બિટકૉઇન ૧૦ ટકા કરતાં વધારે પ્રમાણમાં વધીને ૩૬,૫૦૦ ડૉલરની ઉપર પહોંચી ગયો છે. ભારતમાં સ્થાપિત ક્રિપ્ટોવાયરે લૉન્ચ કરેલા વિશ્વના પ્રથમ ક્રિપ્ટોકરન્સી ઇન્ડેક્સ–આઇસી૧૫માં ૩૯૨૬ પૉઇન્ટ (૮.૦૮ ટકા)નો વધારો થતાં આંક ૫૨,૫૦૮ પૉઇન્ટ થયો છે. આ ઇન્ડેક્સ મંગળવારે બપોરે ૪ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં ૪૮,૫૮૨ ખૂલ્યા બાદ ઉપરમાં ૫૩,૩૩૨ અને નીચામાં ૪૭,૫૫૩ જઈ આવ્યો હતો અને ૫૨,૫૦૮ પૉઇન્ટ બંધ રહ્યો હતો. 

(9:01 pm IST)