Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

કોપીરાઇટનું ઉલ્લંઘન

ગૂગલના CEO સુંદર પિચાઈ સહિત પાંચ લોકો પર FIR

ગૂગલે ગેરકાયદે વ્યકિતઓને તેમની ફિલ્મ 'એક હસીના થી એક દીવાના થા'ને યુટ્યુબ પર અપલોડ કરવાની મંજૂરી આપી હતી

મુંબઈ,તા.૨૭: ગૂગલના CEO સુંદર પિચાઈ અને કંપનીના પાંચ અન્ય અધિકારીઓની સામે કોપીરાઇટ અધિનિયમની કલમમાં કેસ નોંધવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની એક કોર્ટના નિર્દેશ પર મુંબઈ પોલીસે સુંદર પિચાઈ અને પાંચ અન્ય અધિકારીઓની સામે એ મામલો નોંધવામાં આવ્યો છે.

ફિલ્મ ડિરેકટર સુનીલ દર્શને ફરિયાદમાં કહ્યું છે કે ગૂગલે ગેરકાયદે વ્યકિતઓને તેમની ફિલ્મ 'એક હસીના થી એક દીવાના થા'ને યુટ્યુબ પર અપલોડ કરવાની મંજૂરી આપી હતી. સુંદર પિચાઈને એક દિવસ પહેલાં પદ્મ સન્માન આપવાનું એલાન કરવામાં આવ્યું છે.

કોપીરાઇટના ઉલ્લંદ્યનને મામલે ફિલ્મ ડિરેકટર સુનીલ દર્શને કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. જાણીતા ફિલ્મ ડિરેકટર સુનીલ દર્શનનો આરોપ છે કે તેમને જાણ કર્યા વગર આ ફિલ્મને યુટ્યુબ પર અપલોડ કરવામાં આવી હતી. આ મામલે કોર્ટે ગૂગલના ઘ્ચ્બ્ સુંદર પિચાઈ અને પાંચ અધિકારીઓની સામે કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો.

કોર્ટના આદેશ પછી MIDC પોલીસે પિચાઈ અને કંપનીના પાંચ અધિકારીઓની સામે કોપીરાઇટ એકટ ૧૯૫૭ની કલમ ૫૧,૬૩ અને ૬૯ ગેઠળ FIR નોંધ્યો છે અને કેસની તપાસ શરૂ કરી છે. સુનીલ દર્શનનું કહેવું છે કે આ ફિલ્મના કોપીરાઇટ તેમણે હજી સુધી કોઈને નથી આપ્યા.

સુનીલ દર્શનનું કહેવું છે કે તેમને જાણ કર્યા વગર કેટલાય લોકો દ્વારા ફિલ્મ 'એક હસીના થી એક દીવાના થા'નાં ગીતો અને વિડિયો ગૂગલ અને યુટ્યુબ પર અપલોડ કર્યાં છે. તેમનું કહેવું હતું કે આ ફિલ્મનાં ગીતો અને વિડિયો અપલોડ થઈ રહ્યા હતા, એ સમયે યુટ્યુબ અને ગૂગલે એને અપલોડ કરવાની મંજૂરી આપી હતી. યુટ્યુબ અને ગૂગલ પર અપલોડ થવાને કારણે તેમણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું અને અપલોડ કરવાવાળાઓને કરોડોની કમાણી હતી, એમ તેમણે કહ્યું હતું.

(10:35 am IST)