Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણ એવોર્ડ મળતા કોંગ્રેસ વિ. કોંગ્રેસનો જંગ છેડાયો

ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણ એવોર્ડ મળતા કોંગ્રેસમાં ચાલી રહેલો વિવાદ વધુ એક વખત સામે આવ્યો : જી-૨૩ના નેતાઓએ ગુલામ નબી આઝાદને અભિનંદન પાઠવ્યા તો જયરામ રમેશે કર્યો કટાક્ષ

નવી દિલ્હી,તા. ૨૭ : કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે જેને લઈને કોંગ્રેસમાં જ વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના જી-૨૩ એટલે કે બળવાખોર ૨૩ નેતાઓના જૂથ અને ગાંધી પરિવારના સમર્થકો વચ્ચેનો જંગ ફરીથી સામે આવ્યો છે. જેના કારણે પક્ષમાં તિરાડ પડી છે તે સ્પષ્ટ થાય છે.

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માએ દેશના ત્રીજા સર્વોચ્ચ સન્માન મળવા બદલ ગુલામ નબી આઝાદને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, ગુલાબ નબીજીએ જન સેવા અને સંસદીય લોકતંત્રમાં તેમના આજીવન સમૃદ્ઘ યોગદાન માટે યોગ્ય સન્માન માટે હાર્દિક અભિનંદન.

તેમના સહયોગી કપિલ સિબ્બલે ટ્વિટ કર્યું હતું કે, ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. અભિનંદન ભાઈજાન. પરંતુ વિડંબના છે કે કોંગ્રેસને તેમની સેવાઓની જરૂર નથી જયારે રાષ્ટ્ર જાહેર જીવનમાં તેમના યોગદાનને સ્વીકારે છે.

કોંગ્રેસના અન્ય એક નેતા રાજ બબ્બરએ કહ્યું હતું કે, અભિનંદન ગુલામ નબી આઝાદ સાહેબ. તમે મારા મોટા ભાઈ જેવા છો અને તમારું જાહેર જીવન અને ગાંધીવાદી આદર્શો પ્રત્યે પ્રતિબદ્ઘતા હંમેશા એક પ્રેરણા રહી છે. પદ્મ ભૂષણ રાષ્ટ્ર માટે તમારી પાંચ દાયકાની સેવાની એક આદર્શ ઓળખ છે.

કોંગ્રેસના નેતૃત્વએ આ જાહેરાત અંગે કોઈ ઔપચારિક પ્રતિક્રિયા આપી નથી. પરંતુ પદ્મ એવોર્ડ્સ વિજેતાઓની યાદી સામે આવ્યાના થોડા સમય બાદ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બુદ્ઘદેવ ભટ્ટાચાર્યએ એવોર્ડ સ્વીકારવાની ના પાડી દીધી હતી અને તેનો ઉલ્લેખ કરતા જયરામ રમેશે એક ટ્વિટ કરીને કટાક્ષ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે બુદ્ઘદેવ ભટ્ટાચાર્યએ યોગ્ય કર્યું છે. તેઓ ગુલામ નહીં પરંતુ આઝાદ રહેવા ઈચ્છે છે.

ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ અને આનંદ શર્મા તમામ કોંગ્રેસના જી-૨૩નો ભાગ છે જેમણે ૨૦૨૦માં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસમાં જડમૂળમાંથી પરિવર્તન લાવવા અને સક્રિય સંગઠનની માંગ કરી હતી. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીમાં બે જૂથ પડી ગયા હતા.

(10:38 am IST)