Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

વિશ્વએ નિહાળી આપણી શકિત - સંસ્કૃતિની ઝલક

આઝાદી કા અમૃત મહોત્સવ ટાણે પ્રજાસત્તાક દિનની પરેડ ખૂબ જ અલગ અને શાનદાર રહી : નવા યુનિફોર્મથી લઇ ફલાયપાસ્ટ સુધી... ઘણી અલગ રહી ૭૩માં પ્રજાસત્તાક દિનની પરેડ : લશ્કરના નવા યુનિફોર્મ ઉપરાંત નવી રાઇફલ સહિતના હથિયારો અને ૭૫ એરક્રાફટ સાથેની ગ્રાન્ડ ફલાયપાસ્ટે જમાવ્યું આકર્ષણ : ૪૮૦ નૃત્યકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો : ૧૨ રાજ્યો અને UTના ટેબ્લો પ્રદર્શિત કરાયા : રાફેલ, સુખોઇ, જગુઆર, Mi-17, સારંગ, અપાચે, ડાકોટા જેવા આધુનિક એરક્રાફટ ફલાયપાસ્ટમાં જોવા મળ્યા

નવી દિલ્હી તા. ૨૭ : ૭૩માં ગણતંત્ર દિવસ પર આયોજીત પરેડમાં વિશ્વએ રાજપથ પર દેશની સૈન્ય તાકાત અને જીવંત સાંસ્કૃતિક વિરાસતની ઝલક નિહાળી હતી. પરેડમાં ૭૫ વિમાનોની ભવ્ય 'ફલાયપાસ્ટ' આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ વખતે પરેડમાં અગ્રિમ મોરચાના કર્મી, ઓટો રિક્ષાચાલક અને શ્રમિક વિશિષ્ઠ અતિથિ સ્વરૂપે હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજપથ પર આયોજીત પરેડની સલામી લીધી હતી. ૫૦૦૦ લોકો પરેડ નિહાળવા પહોંચ્યા હતા.

દેશના ૭૩મા પ્રજાસત્તાક દિને યોજાયેલી સશસ્ત્ર દળોની પરેડ ઘણી જ ખાસ રહી. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે પ્રજાસત્તાક દિનની પરેડમાં એવું ઘણું બધું હતું જે કદાચ પહેલીવાર જોવા મળ્યું. જેમાં આર્મીના નવા યુનિફોર્મથી લઈને હથિયારો તેમજ રાફેલ વિમાન અને હેલિકોપ્ટરો સહિત ૭૫ એરક્રાફટ સાથે યોજાયેલી ગ્રાન્ડ ફલાયપાસ્ટ પણ સામેલ છે.

NCC દ્વારા આ પરેડમાં શહીદો કો શત-શત નમન કાર્યક્રમ પહેલીવાર પરેડમાં સમાવાયો હતો. આ ઉપરાંત, ૪૮૦ નૃત્યકારોએ કલ્ચરર પર્ફોમન્સ આપ્યું હતું. ૭૫ મીટર લાંબી અને ૧૫ ફુટ ઉંચી ૧૦ પ્રતિકૃતિ પ્રદર્શિત કરવામાં આવી હતી, જેને ૬૦૦ કલાકારોએ તૈયાર કરી હતી. સંરક્ષણ અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા યોજાયેલા 'કળા કુંભ'માં તૈયાર કરાયા હતા.

ધ્વજ વંદન અને ૨૧ તોપોની સલામી બાદ નીકળેલી પરેડની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સલામી ઝીલી હતી. પરેડની આગેવાની લેફટનન્ટ જનરલ વિજય કુમાર મિશ્રા દ્વારા કરવામાં આવી હતી. પરેડના સેકન્ડ ઈન કમાન્ડ ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ આલોક કાકર હતા. પરેડમાં રાજપુતાના રેજિમેન્ટ, અસમ રેજિમેન્ટ, જમ્મુ અને કાશ્મીર લાઈટ રેજિમેન્ટ, શિખ લાઈટ રેજિમેન્ટ, આર્મી ઓર્ડિનન્સ કોર્પસ, પેરાશૂટ રેજિમેન્ટે ભાગ લીધો હતો. આ ઉપરાંત, મદ્રાસ રેજિમેન્ટ સેન્ટર, કુમાઉ રેજિમેન્ટ સેન્ટર, મરાઠા લાઈટ રેજિમેન્ટ સેન્ટર, જમ્મુ અને કાશ્મીર લાઈટ રેજિમેન્ટલ સેન્ટર, આર્મી મેડિકલ કોર્પસ સેન્ટર એન્ડ સ્કૂલ, ૧૪ ગોરખા ટ્રેઈનિંગ સેન્ટર, આર્મી સપ્લાય કોર્પસ સેન્ટર એન્ડ કોલેજ, બિહાર રેજમેન્ટ સેન્ટર અને આર્મી ઓર્ડિનન્સ કોર્પસ સેન્ટરના સંયુકત બેન્ડે પણ પરેડમાં હિસ્સો લીધો હતો.

૬૧ કેલેવરી, ૧૪ મિકેનાઈઝડ કોલમ્સ, છ માર્ચિંગ કન્ટિજેન્ટ્સ અને આર્મી એવિએશનના એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર્સે પણ પરેડની શોભા વધારી હતી. PT-76 ટેંક, અર્જુન એમકે-આઈ ટેન્ક, ધનુશ ગન સિસ્ટમ, PMS બ્રીજ અને બે સર્વત્ર બ્રિજ સિસ્ટમ, HT-18 અને બે તરંગ શકિત ઈલેકટ્રોનિક વોરફેર સિસ્ટમ, ટાઈગર કેટ મિસાઈલ, આકાશ મિસાઈલ સિસ્ટમ પણ પરેડમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

પરેડમાં ૧૨ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ઉપરાંત નવ મંત્રાલયો અને વિભાગો દ્વારા બનાવાયેલા ટેબ્લોને પણ સમાવાયા હતા. અરૂણાચલના એંગ્લો-એબોર, હરિયાણાના સ્પોર્ટ્સ, ગોવાના સ્થાનિક હેરિટેજની થીમ પર ટેબ્લો બનાવાયા હતા. જયારે ગુજરાતનો ટેબ્લો આદિવાસી સંસ્કૃતિ પર બનાવાયો હતો. પહેલીવાર પરેડમાં IAF દ્વારા દૂરદર્શન સાથે કોર્ડિનેશન કરીને ફલાય પાસ્ટના કોકપિટ વિડીયો તૈયાર કરવામાં આવ્યા હતા. ફલાય પાસ્ટમાં વિન્ટેજ ઉપરાંત હાલના રાફેલ, સુખોઈ, જગુઆર, Mi-17, સારંગ, અપાચે, ડકોટા જેવા આધુનિક એરક્રાફટ ફલાયપાસ્ટમાં જોવા મળ્યા હતા.

(10:45 am IST)