Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

કોવિશિલ્ડ અને કોવાકિસન આવશે બજારમાં : જાણો કેટલી હોઇ શકે છે કિંમત?

નવી દિલ્હી તા. ૨૭ : ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની અસરને ઘટાડવામાં કોરોના રસીઓ મહત્વની ભૂમિકા ભજવી છે. બે રસી ઉત્પાદકો સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકએ હવે ભારતના ડ્રગ રેગ્યુલેટર - ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા પાસેથી તેમની રસીઓને રેગ્યુલર બજારમાં ઉપલબ્ધ કરાવવા મંજૂરી માંગી છે. એટલે કે કંપનીઓ હવે તેમની રસી સીધી બજારમાં લાવીને સામાન્ય લોકોના હાથમાં લાવવા માંગે છે. જો કે, ખુલ્લા બજારમાં આ રસીઓની કિંમત અંગે હજુ પણ શંકા છે. દરમિયાન સરકારી સૂત્રોએ રસીની કિંમતો વિશે ખુલાસો કર્યો છે.

સત્તાવાર સત્રો અનુસાર, કોવિશિલ્ડ અને કોવાકિસન લોન્ચ કરવાની મંજૂરી આપવામાં આવ્યા પછી તેમની કિંમત પ્રતિ ડોઝ ૨૭૫ રૂપિયા નક્કી કરવામાં આવી શકે છે. જોકે રસીના ડોઝ પર ૧૫૦ રૂપિયાનો વધારાનો સર્વિસ ચાર્જ પણ વસૂલવામાં આવશે. એટલે કે રસીના ડોઝની કિંમત ખુલ્લા બજારમાં ૪૨૫ રૂપિયાની આસપાસ રહેવાની શકયતા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ની કોરોના બાબતોની નિષ્ણાત સમિતિએ ૧૯ જાન્યુઆરીએ અમુક શરતોને આધીન, પુખ્ત વસ્તી માટે ખુલ્લા બજારમાં  કોવિશિલ્ડ અને કોવાકિસનની મંજૂરીની ભલામણ કરી હતી.

(10:40 am IST)