Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

હામિદ અન્‍સારીનું સ્‍ફોટક નિવેદન : ભારતમાં વધી રહી છે અસહિષ્‍ણુતા

ISI તથા રમખાણો સાથે જોડાયેલી સંસ્‍થાના કાર્યક્રમમાં પૂર્વ ઉપરાષ્‍ટ્રપતિએ વિવાદ ઉભો કર્યો

વોશિંગ્‍ટન તા. ૨૭ :  દેશમાં રમખાણો કરાવવા અને આઈએસઆઈ સાથે લીંક હોવાનો જે સંગઠન પર આરોપ છે, તેના મંચ પરથી હામીદ અન્‍સારીએ કેન્‍દ્રની મોદી સરકાર પર નિશાન તાકતા કહ્યુ કે હાલમાં નાગરિક રાષ્‍ટ્રવાદને સાંસ્‍કૃતિક રાષ્‍ટ્રવાદમાં બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભૂતપૂર્વ ઉપરાષ્‍ટ્રપતિએ કહ્યું કે ધાર્મિક બહુમતિને રાજકીય એકાધિકારના રૂપમાં રજૂ કરીને ધર્મના આધાર પર અસહિષ્‍ણુતાને હવા અપાઈ રહી છે. હામિદ અન્‍સારીએ ગણતંત્ર દિવસના અવસરે વોશિંગ્‍ટનમાં આયોજીત વર્ચ્‍યુઅલ ઈવેન્‍ટમાં આ વાતો કરી હતી. તેમની સાથે એ કાર્યક્રમમાં એક અમેરિકન સેનેટર અને નીચલા સદન એટલે કે યુએસ કોંગ્રેસના ત્રણ સાંસદો પણ ઉપસ્‍થિત હતા. એટલુ જ નહીં અમેરિકાના આંતરરાષ્‍ટ્રીય ધાર્મિક સ્‍વતંત્રતા પંચના ચેરમેને પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
‘ભારતના બહુલતાવાદી બંધારણનું સંરક્ષણ' વિષય પર આયોજીત કાર્યક્રમમાં હામિદ અન્‍સારી તથા અન્‍ય લોકોએ લઘુમતિ વિરૂદ્ધ હેટ સ્‍પીચ, યુએપીએ એકટના કહેવાતા દુરૂપયોગ અને કાશ્‍મીરી એકટીવીસ્‍ટ ખુર્રમ પરવેઝની ધરપકડ અંગે ચર્ચા કરી હતી. જો કે આ પ્રકારના તમામ દાવાઓને ભારત સરકાર રદિયો આપતી રહી છે. સરકાર તરફથી પોતાના લોકશાહી રેકોર્ડનો હવાલો આપતા કહેવામાં આવ્‍યુ છે કે તેની સંસદીય પ્રણાલી અને કાયદો પૂર્ણપણે પારદર્શક છે. દેશમાં નિયમીત અને પારદર્શક ચૂંટણીઓને પણ ભારત સરકાર વિશ્વ સમક્ષ લોકશાહીની સફળતાના રૂપમાં રજૂ કરતી રહી છે.
કાર્યક્રમમાં સામેલ ચારેચાર અમેરિકન સાંસદો ડેમોક્રેટીક પાર્ટીના છે. એડ માર્કી, એન્‍ડી લેવીન, જેમી રસ્‍કીન અને જીમ મેકગવર્ન દ્વારા પહેલા પણ ભારતીય લોકશાહી અંગે ટીપ્‍પણીઓ કરાતી રહી છે, તો હામિદ અન્‍સારી પણ ઉપરાષ્‍ટ્રપતિ પદેથી રાજીનામુ આપ્‍યા પછી સતત વડાપ્રધાન મોદીના નેતૃત્‍વવાળી એનડીએ સરકારની ટીકાઓ કરતા રહ્યા છે.
આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત અમેરિકન સાંસદ એડ માર્કીએ કહ્યુ કે મોદી સરકાર ભારતમાં લઘુમતિના અધિકારોને નબળા પાડવાનું કામ કરી રહી છે. આ ઉપરાંત ધર્માંતરણ કાયદો અને નાગરિકતા કાનૂન ભારતના સમાવેશી અને સેકયુલર બંધારણ હેઠળ મળેલા અધિકારો પર કાપ મુકવાનું કામ કરે છે અને તે લોકશાહીના મૂળ સિદ્ધાંતોની વિરૂદ્ધ છે.

 

(3:18 pm IST)