Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

ભારત-ચીનના વિદેશ મંત્રી હોટલાઈન સ્થાપવા સંમત

સૈન્ય હટાવવાની સમજૂતી બાદ વધુ એક પગલું : એસ જયશંકરે વાંગ યી સાતે ૭૫ મિનિટ ફોન પર વાત કરી, બંને મંત્રીએ એક બીજા સાથે સંપર્કમાં રહેવા નિર્ણય કર્યો

નવી દિલ્હી, તા. ૨૬ : ચીન અને ભારત વચ્ચે લદ્દાખ મોરચેથી સૈન્ય પાછુ હટાવવા માટે થયેલી સમજૂતિ વચ્ચે આજે બંને દેશના વિદેશ મંત્રીઓ એસ જયશંકર અને વાંગ યી વચ્ચે ૭૫ મિનિટ સુધી ટેલિફોન પર વાતચીત થઈ હતી.

એ પછી વિદેશ મંત્રાલયે કહ્યુ હતુ કે, ચીનને સંદેશો આપવામાં આવ્યો છે કે ગયા વર્ષે સરહદ પર સર્જાયેલા લશ્કરી તનાવના પગલે બંને દેશના દ્વિપક્ષીય સબંધો પર અસર પડી છે.જો ફરી બંને દેશો વચ્ચે હિંસા થઈ તો સબંધો વધારે ખરાબ થશે. બંને મંત્રીઓએ સતત એક બીજાની સાથે સંપર્કમાં રહેવા માટે અને એક હોટલાઈન સ્થાપવા માટે સંમતિ આપી છે.

મંત્રાલયના કહેવા પ્રમાણે વિદેશ મંત્રી જયશંકરે વાંગ યીને મોસ્કોમાં યોજાયેલી બેઠકનો હવાલો આપીને કહ્યુ હતુ કે, એલએસી પર બીજા સ્થળોએ સર્જાયેલા તનાવને ઓછો કરવા માટે કાર્યવાહી થવી જોઈએ.તમામ સ્થળોએથી સૈનિકો પાછા હટાવવાની પ્રક્રિયા પૂરી થયા બાદ બંને દેશો એક બીજાની સાથે શાંતિ સ્થાપવાની દિશામાં સારી રીતે કામ કરી શકશે.

(12:00 am IST)