Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

દેશના અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ અને બરફના કરા પડશે : કેરળના વાવાઝોડાની આગાહી

જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્તિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અથવા બરફવર્ષા થશે : ઉત્તર પાકિસ્તાનમાં પશ્ચિમ ડિસ્ટર્બન્સ સક્રિય

નવી દિલ્હી : દિલ્હી-એનસીઆરમાં દિવસ દરમિયાન ભારે તડકાને કારણે લોકોને ઠંડીથી રાહત મળી છે. વધતા તાપમાનને લીધે લોકોએ ફેબ્રુઆરી મહિનામાં ઉનાળાનો અનુભવ થવા લાગ્યો છે. જેમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 33 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર સવારે હળવી ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ દેશના અન્ય ભાગોમાં વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના અનુસાર શુક્રવારે ઉત્તર પાકિસ્તાનમાં પશ્ચિમ ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેના લીધે ભારતના ઘણા રાજ્યોમાં આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે. પશ્ચિમ ડિસ્ટર્નર્સની અસર શુક્રવાર અને શનિવારે પહાડી વિસ્તારોમાં અસર કરે તેવી સંભાવના છે.

  આ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્તિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં શુક્રવારે અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અથવા બરફવર્ષા થઈ શકે છે. આઈએમડીના જણાવ્યા અનુસાર 26થી 27 ફેબ્રુઆરી દરમિયાન આ સ્થળોએ કરાઓનો વરસાદ પણ શક્ય છે.

   આ ઉપરાંત શનિ અને રવિવારે ઉત્તર પૂર્વ ભારતના સિક્કિમ રાજ્યમાં છૂટાછવાયા વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે. દક્ષિણ ભારતમાં શુક્રવારે કેરળના ઘણા ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે તેવી સંભાવના છે.

હવામાન વિશે વધુ માહિતી આપતાં આઈએમડીના એડિશનલ ડિરેક્ટર આનંદ શર્માએ જણાવ્યું હતું કે ગઈકાલે દિલ્હીમાં તાપમાન સામાન્ય કરતા 8 ડિગ્રી વધારે હતું અને મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું. દિલ્હી અને વાયવ્ય ભારતના આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 5થી 6 ડિગ્રી વધારે છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમી ડિસ્ટબર્ન્સના કારણે આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે. તે પછી પવનની દિશા બદલાઈ શકે છે અને પર્વત પરથી વાયવ્ય પવન આગળ વધી શકે છે, જેનાથી તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે.

નોંધપાત્ર વાત એ છે કે ઉત્તર ભારતના ઘણા ભાગોમાં શુક્રવાર અને શનિવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની સંભાવના છે. આ સિવાય શુક્રવાર અને રવિવારથી ઉત્તર ભારત, ઉત્તર-પશ્ચિમ ભારત અને ઉત્તર-પૂર્વ ભારતના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય રહેવાની સંભાવના છે.

(12:00 am IST)