Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

રેલ પ્રવાસીઓને રાહત

મોબાઇલ એપથી ફરી જનરલ ટિકિટ બુક થશે

નવી દિલ્હી તા. ૨૭ : કોરોના વાયરસના સંક્રમણના ફેલાવાની ઝડપ ઘટતાં ટ્રેન ફરી ધીમે ધીમે પાટે દોડવા લાગી છે. સ્પેશિયલ ટ્રેન સિવાય રેગ્યુલર ટ્રેનની પણ શરૂઆત થઇ રહી છે. એવામાં રેલવેએ દૈનિક અને જનરલ પ્રવાસીઓને મોટી રાહત આપતા મોબાઇલ એપમાંથી ટિકિટ બુક કરાવવાની સર્વિસ ફરીથી શરૂ કરી દીધી છે.

રેલ્વે સ્ટેશન પર ટિકિટ્સ બુકિંગ કાઉન્ટર પર ફરી ભીડ એકઠી ન થાય તેથી ઇન્ડિયન રેલવેએ યૂટીએસ ઓન મોબાઇલ એપ દ્વારા ટિકિટ બુકિંગની સુવિધા ફરી શરૂ કરી દીધી છે. ઈન્ડિયન રેલવેએ આ નિર્ણય અમુક સ્થળોએ પેસેન્જર ટ્રેન સર્વિસ શરૂ કરવાને જોઇને લીધો છે.

મોબાઈલ પરથી જ ખરીદી શકાશે જનરલ ટિકિટ કાઉન્ટર પર હાલ જનરલ ટિકિટ જ મળી રહી છે અને કોરોના મહામારીના વધતાં સંક્રમણને ધ્યાનમાં રાખતા પ્રવાસીઓને પણ ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ મેળવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.રેલવેના આ નિર્ણય પછી હવે તમે પોતાના મોબાઇલ ફોન પરથી જનરલ ટિકિટ બુક કરાવીને અનારક્ષિત શ્રેણીમાં પ્રવાસ કરી શકો છો.

(2:36 pm IST)