Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

રમકડાં ઉદ્યોગમાં છુપાયેલી છે દેશની તાકાત

ભારતના પ્રથમ ટોયફેરનો પ્રારંભ : પીએમ મોદીએ કર્યું સંબોધન

નવી દિલ્હી તા. ૨૭ : પીએમ નરેન્દ્ર મોદી એ આજે વીડિયો કોન્ફન્સિગ દ્વારા ધ ઇન્ડિયા ટોય ફેર ૨૦૨૧નું ઉદઘાટન કર્યું છે. દેશી રમકડાંને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ વર્ચુઅલ મેળો ૪ દિવસ સુધી ચાલશે. પીએમ મોદીનું કહેવું છે કે આ ટોય ફેર ફકત એક વેપારિક અથવા આર્થિક કાર્યક્રમ નથી. આ કાર્યક્રમ દેશની સદીઓ જૂની રમત અને ઉલ્લાસની સંસ્કૃતિને મજબૂત કરવાની એક કડી છે.

પીએમ મોદીએ કહ્યુંક એ 'તમારા બધા સાથે વાત કરીને ખબર પડી કે આપણા દેશના રમકડાં ઉદ્યોગમાં કેટલી તાકાત છુપાયેલી છે. આ તાકાતને વધારવી, તેની ઓળખને વધારવી આત્મનિર્ભર ભારત અભિયાનનો એક મોટો ભાગ છે.'

ધ ઇન્ડિયા ટોય ફેર ૨૦૨૧ના આયોજન કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું 'આજે જે ચેસ દુનિયામાં આટલી લોકપ્રિય છે, તે પહેલાં 'ચતુરંગ અથવા ચાદુરંગા'ના રૂપમાં ભારતમાં રમાતી હતી. આધુનિક લૂદો ત્યારે 'પચ્ચીસી' રૂપમાં રમાય છે. આપણા ધર્મગ્રંથોમાં પણ બાલ રામ માટે અલગ-અલગ કેટલા રમકડાંનું વર્ણન મળે છે. મોટાભાગે ભારતીય રમકડાં પ્રાકૃતિક અને ઇકો ફ્રેંડલી વસ્તુઓમાંથી બને છે, તેમાં ઉપયોગ થનાર રંગ પણ પ્રાકૃતિક અને સુરક્ષિત હોય છે.

પીએમ મોદી એ પોતાના સંબોધનમાં ગુરૂદેવ રવીન્દ્ર નાથ ટાગોરની એક કવિતાની પંકિતઓ પુનરાવર્તિત કરી. તેમણે કહ્યું 'એક રમકડું બાળકોને ખુશીઓની અનંત દુનિયામાં લઇ જાય છે. રમકડાંનો એક-એક રંગ બાળકોના જીવનમાં કેટલો રંગ પાથરે છે.'

પ્રધાનમંત્રી એ ઓગસ્ટ, ૨૦૨૦માં તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં જણાવ્યું હતું કે, રમકડાંથી માનસિક વિકાસને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓમાં વધારો થવાની સાથે બાળકોનાં સ્વપ્નોને પાંખો પણ મળે છે. બાળકોના મગજના વિકાસમાં રમકડાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મનોવૈજ્ઞાનિક ગતિવિધિઓને તથા જ્ઞાનની કુશળતાને વધારવામાં બાળકોની મદદ કરે છે. બાળકોના સમગ્ર વિકાસમાં રમકડાંના મહત્વની ચર્ચા કરતાં પ્રધાનમંત્રી પહેલાં પણ રમકડાંના ઉત્પાદનને વધારવા પર ભાર મુકયો છે.

ભારત ટોય ફેર ૨૦૨૧નું આયોજન પ્રધાનમંત્રીના આ વિઝન અનુરૂપ કરવામાં આવી રહ્યું છે. આ મેળાનો ઉદ્દેશ્ય તમામ પક્ષોને એકમંચ પર લાવવાનો છે, જેમાં વર્ચ્યુઅલ પ્લેટફોર્મ વિક્રેતાઓ, ગ્રાહકો, શિક્ષકો, ડિઝાઇનરો વગેરે ઉદ્યોગના સંપૂર્ણ વિકાસ માટે કાયમી જોડાણ સ્થાપિત કરવા અને સંવાદને પ્રોત્સાહન આપવા માટે છે.

(3:18 pm IST)