Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

માતાનું દુધ શિશુ માટે અમૃત સમાનઃ શિશુની રોગ પ્રતિકાારક ક્ષમતા વધારવામાં પણ ફાયદાકારકઃ વૈજ્ઞાનિક રિસર્ચ

નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સાથે દુનિયાભરના મોટાભાગના ડોક્ટર્સ આ સલાહ આપે છે કે, જન્મથી લઇને 6 મહિના સુધી નવજાત શિશુને માત્ર માતાનું દૂધ જ પીવડાવું જોઇએ. માતાનું દૂધ શિશુ માટે અમૃત હોય છે. આ તો આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પરંતુ વૈજ્ઞાનિક રિસર્ચમાં પણ તે સાબિત થયું છે કે, માતાનું દૂધ શિશુની રોગ પ્રતિકારક ક્ષમતા એટલે કે ઇમ્યૂનિટી વધારવામાં ફાયદાકારક છે.

માતાના દૂધથી બાળકના શરીરમાં પહોંચે છે ગુડ બેક્ટેરીયા

બ્રેસ્ટ મિલ્કમાં ઘણા પ્રકારના ગુડ બેક્ટેરિયા હોય છે. જેમાં સમયની સાથે ઘણા ફેરફાર થતા હોય છે. આ ગુડ બેક્ટેરિયા માતાના દૂધ દ્વારા બાળકના શરીરમાં પહોંચે છે. જે નવજાત શિશુ માટે ઇમ્યૂનિટી અને મોટાબોલિઝ્મ બૂસ્ટર શોટ એટલે કે, બીમારીઓથી બચાવતી રસીની જેમ કામ કરે છે. કેનેડા સ્થિત મોન્ટ્રિયલ અને ગૌટેમાલાના વૈજ્ઞાનિકોએ આ નવું રિસર્ચ પૂર્ણ કર્યું જે માઇક્રોબાયોલોજીમાં ફ્રન્ટીઅર્સ ઇન જર્નલમાં પ્રકાશિત થયું છે.

શિશુને સુરક્ષિત રાખે છે માતાનું દૂધ

સંશોધનકર્તાઓએ બ્રેસ્ટ મિલ્કમાં માઇક્રોબાયોમ એટલે કે, સૂક્ષમ જીવોની એક સંપૂર્ણ શ્રૃંખલાની ઓળખ કરી છે. માઇક્રોબાયોમ બેક્ટેરિયાની આ પ્રજાતિ બ્રેસ્ટ મિલ્કમાં શું મહત્વની ભૂમિકા નિભાવે છે આ વિશે હજુ સુધી વૈજ્ઞાનિકોને ખુબ ઓછી જાણકારી હતી. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ગુડ બેક્ટેરિયા નવજાત શિશુના જઠરાંત્રિય એટલે કે પાચન તંત્રને સુરક્ષિત રાખે છે અને કોઈપણ પ્રકારની એલર્જીથી બચાવી લાંબા સમય સુધી બાળકનું સ્વાસ્થ્ય ખરાબ થવાથી બચાવે છે.

આ સ્ટડીના ઓથર ઇમેન્યુઅલ ગોંઝાલેઝ કહે છે કે, અમે સેમ્પલ બ્રેસ્ટ મિલ્કમાં બેક્ટેરિયાની જે પ્રજાતિઓની જાણકારી મેળવી છે. તે તમામ બહારના તત્વો અથવા xenobiotics ને નષ્ટ કરવા અને ઝેરી પદાર્થોની સાથે જ પ્રદૂષણ ફેલાવનારા તત્વોની સામે પણ સુરક્ષા આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ નવું રિસર્ચ આ વાતને મહત્વ આપે છે કે, કેવી રીતે એક માતા પોતાના શિશુની ઇમ્યૂનિટી એટલે કે રોગ પ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

બ્રેસ્ટ મિલ્ક સેમ્પલની તપાસ કરવામાં આવી

બ્રેસ્ટ મિલ્કમાં હાજર માઈક્રોબાયોમ એટલે કે ગુડ બેક્ટેરિયા વિશે વધુ જાણવા માટે વૈજ્ઞાનિકોએ હાઈ-રિઝોલ્યૂશન ઇમેજિંગ તકનીકનો ઉપયોગ કરી બ્રેસ્ટ મિલ્કના સેમ્પલનું વિશ્લેષણ કર્યું. તે દરમિયાન વૈજ્ઞાનિકોએ 6 થી 46 દિવસ વચ્ચેના બ્રેસ્ટ મિલ્કની સરખામણી 109 થી 184 દિવસ વચ્ચેના બ્રેસ્ટ મિલ્ક સાથે કરી. આ કરવાથી વૈજ્ઞાનિકોને તે સમજવામાં મદદ મળી કે બ્રેસ્ટ મિલ્કમાં હાજર ગુડ બેક્ટેરિયામાં સમય સાથે કેટલા ફેરફાર થયા છે અને તે નવજાત શિશુના સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે.

(4:38 pm IST)