Gujarati News

Gujarati News

News of Tuesday, 27th February 2024

ગરીબ પરિવારને દર મહિને ૫૦૦૦ રૂપિયા... ‘આ વચન નથી, ગેરંટી છે'

કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આંધ્રપ્રદેશમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને પાર્ટીના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી

અનંતપુર,તા. ૨૭: કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે આંધ્રપ્રદેશમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને પાર્ટીના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે પાર્ટીએ નિર્ણય કર્યો છે કે સત્તામાં આવ્‍યા બાદ રાજયના ગરીબ પરિવારોને દર મહિને ૫,૦૦૦ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

કોંગ્રેસે આ યોજનાને ‘ઇન્‍દિરમ્‍મા યુનિવર્સલ બેઝિક ઈન્‍કમ' નામ આપ્‍યું છે. ખડગેએ કહ્યું કે આ રકમ દરેક પરિવારની મહિલાના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે.

અનંતપુરમાં એક જાહેર સભાને સંબોધતા ખડગેએ પણ વચન આપ્‍યું હતું કે જો તેમનો પક્ષ સત્તા પર આવશે તો તેઓ ડુગરપટ્ટનમ બંદર અને કડપામાં સ્‍ટીલ પ્‍લાન્‍ટનું નિર્માણ કરશે.

તેમણે કહ્યું કે પ્રદેશમાં વિકાસ સુનિヘતિ કરવા માટે પાર્ટી રાયલસીમા અને ઉત્તર આંધ્ર માટે વિશેષ અનુદાન પેકેજ આપશે. ખડગેએ સોશિયલ મીડિયા એક્‍સ પર પોસ્‍ટ કરીને કહ્યું કે અમારી ગેરંટી મોદીની ગેરંટી જેવી નથી, કોંગ્રેસ પાર્ટી જે પણ વચન આપે છે, અમે તેને પૂરા કરીએ છીએ.

વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તેમણે બે કરોડ નોકરીઓનું સર્જન કરવાનું વચન પૂરું કર્યું નથી, દરેક ભારતીયના બેંક ખાતામાં ૧૫ લાખ રૂપિયા જમા કરાવવાનું વચન પૂરું કર્યું નથી અને આવક બમણી કરવાનું વચન પણ પૂરું કર્યું નથી.

ખડગેએ કહ્યું કે જયારે પણ અમારી પાર્ટીના નેતાઓ આંધ્ર પ્રદેશ વિશે વિચારે છે ત્‍યારે તેઓ ભાવુક થઈ જાય છે કારણ કે આ રાજય અમારા દિલની ખૂબ નજીક છે.

ખડગેએ કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓને આંધ્ર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ વાયએસ શર્મિલાને સશક્‍ત બનાવવા માટે આહ્વાન કર્યું હતું. તમને જણાવી દઈએ કે વાયએસ શર્મિલા આ વર્ષે જાન્‍યુઆરીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ હતી.

(10:52 am IST)