Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

હોટેલમાં રહેવું,કટલેરી હોસ્‍પિટલનો ખર્ચ અને ઘરના વાસણો સહિત વસ્‍તુઓ થશે મોંઘી

નવી દિલ્‍હી, તા.૨૭: આગામી જીએસટી કાઉન્‍સિલની બેઠકમાં કેટલીક વસ્‍તુઓના જીએસટી દરોમાં ફેરફાર થઇ શકે છે. જેના પરિણામે બજેટ હોટેલમાં રહેવાનું, હૉસ્‍પિટલનો ખર્ચ, વૉટર પમ્‍પ અને ઘરનાં વાસણો વગેરે મોંઘાં થઈ શકે છે.

કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને તમામ રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની અધ્‍યક્ષતામાં જીએસટી કાઉન્‍સિલની ૪૭મી બેઠક ૨૮-૨૯ જૂને યોજાવાની છે. છ મહિના બાદ કાઉન્‍સિલની બેઠક મળી રહી છે. ત્‍યારે કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્‍મઈની અધ્‍યક્ષતાવાળી સમિતિએ અનેક ઉત્‍પાદનો અને સેવાઓ પર જીએસટી દર વધારવાની ભલામણ કરી છે.

મીંટના અહેવાલ મુજબ સમિતિએ પ્રિન્‍ટિંગ, લેખન અને ડ્રોઇંગની શાહી, છરી, ચમચી, પ્‍લેટ અને અન્‍ય કટલેરી પર જીએસટી ૧૨થી વધારીને ૧૮ ટકા કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત ડેરી મશીનરી, એલઇડી લેમ્‍પ્‍સ, ડ્રોઇંગ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ પર પણ જીએસટી વધારીને ૧૮ ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે. બીજી તરફ સોલર વોટર હીટર અને લેધર પર જીએસટી ૫થી વધારીને ૧૨ ટકા કરવાનું સૂચન પણ થયું છે. કેટલીક આઉટસોર્સ સેવાઓ પરના જીએસટી દરમાં પણ વધારો થવાની ધારણા છે.

અમુક B to B ટ્રાન્‍ઝેક્‍શન પર પણ ટેક્‍સ છૂટ પાછી ખેંચવાની ભલામણ કરવામાં આવી છે. નોન-ઇકોનોમી ક્‍લાસમાં નોર્થ ઇસ્‍ટ અને બાગડોગરાની હવાઇ મુસાફરી અને રેલવે કે સડક માર્ગે પરિવહન સેવાઓ પર કરમુક્‍તિ દૂર કરવાની ભલામણ કરવામાં આવી છે. આ સાથે જ આ બેઠકમાં જીએસટી કાઉન્‍સિલ કસીનો, ઓનલાઇન ગેમ્‍સ અને રેસકોર્સ પર ૨૮ ટકા જીએસટીની વ્‍યવસ્‍થા અંગે સ્‍પષ્ટતા કરે તેવી શકયતા છે.

(4:41 pm IST)