Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

રાઉતના નિવેદનોથી શિવસેના સરકાર પડવાના કગારે : કેસરકર

બળવાખોર નેતાઓ સંજય રાઉતના નિવેદનથી નારાજ : બાગી ધારાસભ્ય ગુવાહાટીમાં ક્યાં સુધી રહેશે, ક્યારેક તો ચોપાટી આવશે...! રાઉતનું ધમકીભર્યું નિવેદન

મુંબઈ, તા.૨૭ : એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની ગુજરાતમાં થયેલી મુલાકાતની ચર્ચા વચ્ચે શિવસેના નેતા દીપક કેસરકરએ પત્રકારોને જણાવ્યુ કે અમે એકનાથ શિંદેને તમામ અધિકારો આપ્યા છે. તેઓ ભાજપ સાથે વાત કરી શકે છે. તેઓ જે ઈચ્છે તે કરી શકે છે. તેઓ જે પણ નિર્ણય લેશે તેમાં અમે તેમની સાથે છીએ. શિવસેનાના નેતા સંજય રાઉતે બાગી ધારાસભ્યો પર આકરા નિશાન સાધ્યા છે. એક કાર્યક્રમમાં સંજય રાઉતે પોતાના વિવાદિત નિવેદનમાં કહ્યુ છે કે ગુવાહાટીમાં જે છે તે જીવતી લાશ છે. ગુવાહાટીથી સીધા ૪૦ ધારાસભ્યોના મૃતદેહ જ મુંબઈ આવશે. જેમને અમે પોસ્ટમોર્ટમ માટે વિધાનસભા મોકલીશુ.

અગાઉ તેઓ નિવેદન આપી ચૂક્યા છે કે બાગી ધારાસભ્ય ગુવાહાટીમાં ક્યાં સુધી રહેશે, ક્યારેક તો ચોપાટી આવશે...! આ ધમકીભર્યા નિવેદન પર પણ ખૂબ હોબાળો મચેલો છે. શિવસેના નેતા દીપક કેસરકરે સંજય રાઉતના નિવેદન પર ટીકા કરતા કહ્યુ કે તેમના નિવેદનોના કારણે જ શિવસેનાની સરકાર પડવાના કગારે પહોંચી ગઈ છે. અમુક હદ સુધી આ અભદ્ર ભાષા પણ તેનુ કારણ બન્યુ છે.

તેમણે કહ્યુ, જ્યારે સંજય રાઉત બોલે છે, તો એક ભાષા હોય છે જે અમુક ખાસ લોકોને પસંદ આવે છે. આ તે લોકો છે જે અભદ્ર ભાષા પસંદ કરે છે. પરંતુ સત્ય તો એ છે કે વિધાનસભા લોકતંત્રનુ મંદિર છે. આ મંદિરમાં એ નક્કી થાય છે કે મુખ્યમંત્રી કોણ હશે. તેમણે કહ્યુ કે તેથી તેમને ચોપાટીની ભાષાનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

(8:11 pm IST)