Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

પ્રશાંત કિશોરની ટીમના ૨૨ સભ્યોને ત્રિપુરામાં નજરકેદ કરાયા: પોલીસે કોરોના ગાઈડલાઈનનું ગણાવ્યું કારણ

તૃણમૂલ કોંગ્રેસ માટે સર્વેક્ષણ કરવા પહોંચેલી આઈપેકની ટીમને ત્રિપુરાની પોલીસે હોટેલની બહાર નીકળવા ના દીધી

અગરતલા :ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની કંપની આઈપેકની ટીમના ૨૨ સભ્યોને ત્રિપુરાની હોટેલમાં પોલીસે નજરકેદ કરી લીધા હોવાનો આરોપ મૂકાયો છે. જોકે, કોરોના ગાઈડલાઈનના કારણે રૃટિન પ્રક્રિયાના ભાગરૃપે કાર્યવાહી થયાનું પોલીસે કહ્યું હતું.

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની કંપની ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (આઈપેક)ના ૨૨ સભ્યોને ત્રિપુરામાં નજરકેદ કરી લેવાયા હતા. આઈપેકની ટીમના સભ્યો ત્રિપુરામાં તૃણમૂલ કોંગ્રેસના કામથી ગયા હતા.
તૃણમૂલ કોંગ્રેસ માટે સર્વેક્ષણ કરવા પહોંચેલી આઈપેકની ટીમને ત્રિપુરાની પોલીસે હોટેલની બહાર નીકળવા દીધી ન હતી. પોલીસે કહ્યું હતું કે આ ટીમે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કર્યું ન હોવાથી રૃટિન પ્રક્રિયાના ભાગરૃપે તેમની પૂછપરછ કરાઈ હતી. જોકે, તૃણમૂલ કોંગ્રેસે આ ઘટનાની ટીકા કરી હતી. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે આ લોકશાહી ઉપરનો હુમલો છે. ત્રિપુરા તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ આશિષ લાલે પણ ત્રિપુરાની સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે પોલીસનો રાજકીય ઉપયોગ કરીને આઈપેકની ટીમને ખોટી રીતે રોકી રાખવામાં આવી છે.
ત્રિપુરા પોલીસે ટીએમસીના આરોપને નકારીને કહ્યું હતું કે કોરોનાની ગાઈડલાઈન બાબતે જ આ ટીમની પૂછપરછ થઈ છે. સભ્યોની ધરપકડ કરવામાં આવી નથી. માત્ર તેમના દસ્તાવેજોની ચકાસણી કરવા માટે તેમની પૂછપરછ કરવામાં આવી હતી. એ તમામ સભ્યો હોટેલમાં જ છે. તેમને બહાર જતાં અટકાવાયા નથી.

(12:42 am IST)