Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ખુશખબર ! ટૂંક સમયમાં સસ્તી થશે દાળ : સરકારે લીધો મહત્વનો નિર્ણય

સરકારે મસૂર દાળ પર આયાત ચાર્જ ઘટાડીને શૂન્ય કરી દીધો

 

નવી દિલ્હી તા. ૨૭ : કેન્દ્ર સરકારે મસૂર દાળ પર આયાત ચાર્જ ઘટાડીને શૂન્ય કરી દીધો છે અને મસૂરની દાળ પર કૃષિ માળખાકિય સુવિધાના વિકાસ ઉપકરને પણ અડધો કરીને ૧૦ ટકા કરી દીધો છે. આ પગલાનો ઉદ્દેશ સ્થાનિક આપૂર્તિને પ્રોત્સાહન અને વધતી કિંમતો પર લગામ કસવાનો છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણએ આ સંબંધમાં એક અધિસૂચના રાજયસભામાં રજૂ કરી. નિર્મલા સીતારમણે કહ્યું કે અમેરિકા ઉપરાંત અન્ય દેશોની મસૂર દાળ પર આયાત ચાર્જ ૧૦ ટકાથી ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવ્યો છે.

તેની સાથે જ, અમેરિકામાં પકવવામાં આવતી કે નિકાસ કરવામાં આવતી મસૂર દાળ પર મૂળ સીમા ચાર્જ ૩૦ ટકાથી ઘટાડીને ૨૦ ટકા કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, મસૂર દાળ પર કૃષી અવસંરચના વિકાસ ઉપકરને હાલના દર ૨૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરી દેવામાં આવ્યો છે.

ગ્રાહક મામલાઓના મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, હાલ મસૂર દાળનો જથ્થાબંધ ભાવ ૩૦ ટકા વધીને ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે, જે આ વર્ષે પહેલી એપ્રિલે ૭૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો.

ઈન્ડિયા ગ્રેન્સ એન્ડ પલ્સિસ એસોસિએશન (આઇજીપીએ)ના ઉપાધ્યક્ષ બિમલ કોઠારીએ આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, ભારતને પ્રતિ વર્ષ ૨.૫ કરોડ ટન દાળની જરૂર છે. પરંતુ આ વર્ષે તેમાં ઘટાડો થવાની શકયતા છે.

સરકારી કૃષિ માળખાકિય સુવિધાને પ્રોત્સાહન આપવા માટે પેટ્રોલ, ડીઝલ, સોનું અને કેટલાક આયાત કરવામાં આવતા કૃષિ પ્રોડકટ્સ સહિત કેટલીક વસ્તુઓ પર કૃષિ માળખાકિય સુવિધા અને વિકાસ ઉપકર (એઆઇડીસી) લાગુ કર્યું હતું.

(10:22 am IST)