Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

આજે પણ સંસદમાં ભારે હંગામો

રાજ્યસભામાં વિપક્ષી નેતાઓ વેલમાં આવી વિરોધ કરવા લાગ્યા

નવી દિલ્હી તા.૨૭ : સંસદના ચોમાસુ સત્રના બીજા સપ્તાહના બીજા દિવસે પણ આજે પેગાસસ જાસૂસીકાંડ ઉપરાંત ગઇકાલે આસામ અને મિઝોરમના પોલીસદળ વચ્ચે થયેલી અથડામણ તેમજ ઇઝરાયલની કંપની દ્વારા કેટલીક સરકારોને જાસૂસી સોફટવેર વેચવામાં આવ્યા હતા તેવી જાહેરાત સહિતના મુદ્દે ફરી એક વાર આજે સંસદના બંને ગૃહોમાં જબરી ધમાલ સર્જાઇ હતી અને રાજય સભા બપોરે ૧૨ વાગ્યા સુધી મુલત્વી રહ્યા બાદ પણ ફરી એ દ્રશ્યો જોવા મળ્યા છે તો લોકસભામાં પણ અઘ્યક્ષની સતત વિનંતી વચ્ચે વિપક્ષોએ તેમના મુદ્દે છેક ગૃહના મઘ્યમાં ધસી જઇને સૂત્રોચ્ચાર કરતાં આ ગૃહની કાર્યવાહી પણ થઇ શકી નથી.બીજી તરફ સરકારે છેલ્લા સાત દિવસથી જે દ્રશ્યો સંસદમાં છે તેને હવે રોકવા માટે સવારથી વિપક્ષના નેતાઓ સાથે અલગ-અલગ વાતચીત ચાલુ કરી હતી પરંતુ કોઇ પરિણામ મળ્યા નથી. ગઇકાલે ઇઝરાયલની કંપની એનએસઓએ જાહેરાત કરી હતી કે કેટલીક વિદેશી સરકારોને પૂરતી ચકાસણી બાદ પેગાસસ સોફટવેર વેચવામાં આવ્યા છે. રાજયસભામાં વિપક્ષોએ આ મુદ્દે વડાપ્રધાન સ્પષ્ટતા કરે તેવી માંગણી કરી હતી. અઘ્યક્ષ વેંકૈયા નાયડુએ સભ્યોને અનેક મહત્વના મુદ્દાઓની ચર્ચા હજુ પેન્ડીંગ છે તેવુ જણાવીને સભ્યોને શાંતિ જાળવવા કહ્યુ હતું.

પરંતુ તેની કોઇ અસર થઇ ન હતી. બીજી તરફ લોકસભામાં અઘ્યક્ષ ઓમ બિરલાએ સભ્યોને ટકોર કરતા કહ્યું કે અહીં લોકોએ આપણને ધમાલ કરવા મોકલ્યા નથી પણ વિપક્ષ પર તેની અસર થઇ ન હતી. સરકારે રાજયસભાના તથા લોકસભાના વિપક્ષના અગ્રણી સાંસદો સાથે ગૃહના કામકાજ અંગે વિઘ્નદૂર થાય તેવા પ્રયાસો કર્યા હતા. જો કે આ વચ્ચે વડાપ્રધાને ભાજપ સંસદીય દળની બેઠકમાં કોંગ્રેસ સદન ચાલવા દેતી નથી તેવો આક્ષેપ કરતાં નવી ધમાલ શરૂ થઇ છે અને કોંગ્રેસે વડાપ્રધાનને પેગાસસ સહિતના મુદ્દે જવાબ આપવા મુદ્દે પડકાર ફેંકયો છે.

(3:50 pm IST)