Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

વસતીના હિસાબે ઓછી વેક્સિન મળી :પીએમ મોદી અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે 40 મિનિટ સુધી ચાલી બેઠક

બંગાળનું નામ બદલવા અંગે પણ પ્રધાનમંત્રી મોદી સાથે ચર્ચા કરી :પ્રધાનમંત્રી સાથેની મુલાકાત પહેલા મમતા કોંગ્રેસ નેતા કમલનાથ તથા પ્રશાંત કિશોરને પણ મળ્યાં: સોનિયા ગાંધીને પણ મળશે

નવી દિલ્હી : દિલ્હીની પાંચ દિવસની મુલાકાતે આવેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પ્રધાનમંત્રી મોદીને મળ્યાં હતા. બન્ને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી વાત થઈ હતી. બેઠકમાં મમતા બેનરજીએ પ્રધાનમંત્રી મોદીને બંગાળનું પેન્ડીંગ ફંડ વહેલી તકે રિલિઝ કરી દેવાનું જણાવ્યું હતું. પ્રધાનમંત્રી સાથેની મુલાકાત પહેલા મમતા કોંગ્રેસ નેતા કમલનાથ તથા પ્રશાંત કિશોરને પણ મળ્યાં હતા. મમતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળવાના છે. ટોચના નેતાઓ સાથેની મમતાની આ મુલાકાતને ખૂબ મહત્વની ગણવામાં આવી રહી છે.
ત્રીજી વાર સરકાર બનાવ્યા પછી પ્રધાનમંત્રી મોદીને મળવાનો સમય માંગ્યો હતો. પીએમ બીજા કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી વાત થઈ શકતી નહોતી. તેમણે કહ્યું કે મેં પ્રધાનમંત્રીને કહ્યું કે અમને વસતીના હિસાબે ઓછી વેક્સિન મળી છે પ્રધાનમંત્રીએ આશ્વાસન આપ્યું છે કે આ મુદ્દા પર જરુરથી વિચારણા કરીશું.

મમતા બેનરજી સોનિયા ગાંધીને પણ મળવાના છે. તેઓ પાંચ દિવસની યાત્રાએ દિલ્હી આવ્યાં છે અને ટોચના તમામ વિપક્ષી નેતાઓને મળવાનો તેમનો કાર્યક્રમ છે. આ પહેલા કોંગ્રેસ નેતા કમલનાથ સાથે પણ તેમણે મુલાકાત કરી હતી.

 

પ્રધાનમંત્રી સાથેની મુલાકાત બાદ મમતાએ કહ્યું કે બંગાળને વધારે વેક્સિનની જરુર છે. વસતીના હિસાબે અમારે વધારે વેક્સિનની જરુર છે. બંગાળનું નામ બદલવા અંગે પણ પ્રધાનમંત્રી મોદી સાથે ચર્ચા કરી.

(6:29 pm IST)