Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

છ માસમાં અર્થતંત્રમાં સુધાર થાય તેવી આશા છે : મૂડીઝ

આ વર્ષમાં જીડીપીમાં ૩.૧ ટકાનો ઘટાડો થવાની શક્યતા : ચીન, ભારત જ જી-૨૦ના એવા દેશ હશે જેમનો ૨૦૨૦ના બીજા છ મહિનામાં જીડીપીનો ગ્રોથ સારો હશે

મુંબઈ, તા.૨૬  :  ભારતીય અર્થતંત્ર આવનારા છ મહિનામાં ફરીવાર પાટે ચઢે તેવી સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનો જીડીપી વધશે તેમ કહ્યું છે.

જોકે, મૂડીઝે અંદાજ વ્યક્ત કર્યો છે કે, વર્ષ ૨૦૨૦ દરમ્યાન ભારતની જીડીપીમાં ૩.૧ ટકાનો ઘટાડો જોવા મળશે.

મૂડીઝે પોતાના ઓગસ્ટના અપડેટેડ ગ્લોબલ મેક્રો આઉટલુક ૨૦૨૦-૨૧માં કહ્યું કે, વિકસીત દેશોના બદલે વિકાસશીલ દેશોમાં આર્થિક વ્યવસ્થા વધુ સ્પર્ધાત્મક છે. અમારું અનુમાન છે કે ચીન, ભારત અને ઇન્ડોનેશિયા જ જી-૨૦ના એવા દેશ હશે જેઓ વર્ષ ૨૦૨૦ના બીજા છ મહિનામાં જીડીપીનો ગ્રોથ સારો હશે અને ૨૦૨૧મા અર્થવ્યવસ્થા કોરોનાથી પહેલાના ગ્રોથને સમકક્ષ થઇ જશે.

ઉલ્લેખનીય છે કે મૂડીઝએ આ અનુમાન લગાવ્યું છે કે ૨૦૨૧મા ભારતીય અર્થવ્યવસ્થાનો ગ્રોથ ૬.૯% થી વધશે. જોકે કોરોનાથી પહેલા પણ ભારતીય અર્થવ્યવસ્થાની પરિસ્થિતિ કંઇ સારી હતી નહી. ૨૦૧૯-૨૦ના દરમ્યાન ભારતીય અર્થવ્યવસ્થામા ૪.૨%નો વધારો થયો છે. જે છેલ્લા ૧૧ વર્ષનો સૌથી ઓછો વધારો હતો. છેલ્લા દિવસોમા આરબીઆઇએ પણ સ્વીકાર કર્યો છે કે, નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન દેશના જીડીપીમા ગ્રોથ નેગેટીવ રહેશે એટલે કે એમા ઘટાડો આવશે. ઇન્ફોસિસના કો-ફાઉન્ડર એન.આર.નારાયણમૂર્તિએ પણ આશંકા વ્યક્ત કરી કે, કોરોનાના કારણે આ વર્ષ ભારતના જીડીપીમા આઝાદી પછી સૌથી મોટો ઘટાડો જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા તમામ રેટિંગ એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી હતી કે, કોરોના સંકટના કારણે ભારતની જીડીપીમા ૩ કે ૯% નો ઘટાડો જોવા મળશે. રેટિંગ એજન્સી ફિચ રેટિંગએ કહ્યુ કે, કોરોનાના કારણે નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧મા ભારતીય અર્થવયવસ્થામા ૫%નો ઘટાડો આવશે.

(12:00 am IST)