Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

રિયલ એસ્ટેટ મંદી-કોરોનાં સંકટના કારણે બિલ્ડરોની હાલત કફોડીઃ નવા પ્રોજેકટોમાં ઘટાડો

ચાલુ વર્ષે માત્ર ૬૦૦ પ્રોજેકટ લોંચ થયાઃ મુલ્યની દ્રસ્ટીએ માત્ર ૧૪૦૦૦ કરોડથી વધુ નથી

નવી દિલ્હી, તા.૨૭: રિયલ એસ્ટેટમાં પ્રવર્તી રહેલી મંદી અને કોરોના સંકટના કારણે ચાલુ વર્ષમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં નવા પ્રોજેકટ્સ લોંચમાં મોટો દ્યટાડો નોંધાયો છે. ચાલુ વર્ષે માત્ર ૬૦૦ પ્રોજેકટ લોંચ થયાં છે જે મૂલ્યની દ્રષ્ટિએ માત્ર ૧૪ હજાર કરોડથી વધુ રકમ થતી નથી.

નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ગુજરાત રેરા ઓથોરિટીમાં ૭૨૦૪૩ કરોડના ૨,૯૫૧ પ્રોજેકટ્સ લોંચ થયા હતા, જયારે ૨૦૧૯-૨૦ના વર્ષમાં ૩૪૮૮૭ કરોડના ૧,૨૮૦ પ્રોજેકટ્સ લોંચ થયા છે. ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં પ્રથમ છ મહિનામાં નવા પ્રોજેકટ લોન્ચ થવાની સંખ્યામાં ચોંકાવનારો ઘટાડો જોવા મળ્યો છે. હાલ જે કોઇ પ્રોજેકટ ચાલે છે તે ઓનગોઇંગ સ્કીમો છે. બિલ્ડરો અને ડેવલપર્સે નવી સ્કીમો લોંચ કરી નથી. રેરાનાં સૂત્રોના જણાવ્યા મુજબ કેલેન્ડર વર્ષના હિસાબે ૨૦૨૦નું વર્ષ નવા રજિસ્ટ્રેશનના મામલે મોટો ઘટાડો દર્શાવે છે. ૨૦૧૭ના ઓગસ્ટ મહિનામાં રેરાનો અમલ શરૂ થયા બાદ ડિસેમ્બર અંત સુધીમાં ૧,૧૬૧ પ્રોજેકટ્સ રજિસ્ટર્ડ થયા હતા અને ૨૦૧૮માં સમગ્ર વર્ષ દરમિયાન ૩,૩૫૬ પ્રોજેકટ્સ નોંધાયા હતા. ૨૦૧૯ના કેલેન્ડર વર્ષમાં નવેમ્બર સુધીમાં૧,૮૬૮ પ્રોજેકટ્સ નોંધાયા છે. ૨૦૨૦ના વર્ષમાં રજીસ્ટ્રેશન ઠપ્પ થયેલું જોવા મળે છે.

અમદાવાદમાં ગયા વર્ષે ૧૩૪૯૧ કરડોના ૩૭૮ પ્રોજેકટ શરૂ થયા હતા જે અગાઉના વર્ષની સરખામણીએ ૫૦ ટકા છે, જયારે ૨૦૨૦ના વર્ષમાં નવા પ્રોજેકટની સંખ્યા ૧૫૦થી વધુ થઇ શકી નથી. રાજયના વિવિધ શહેરોમાં નવા વર્ષે જે પ્રોજેકટ લોંચ થયાં છે તે માત્ર જાન્યુઆરી અને ફેબ્રુઆરીના આંકડા છે. કોરોના સંક્રમણના કારણે માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઇમાં નવા પ્રોજેકટની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય તેવી છે. બુકીંગ અને ખરીદારી નહીંવત હોવાથી બિલ્ડરોએ નવી સ્કીમોમાં રસ દાખવ્યો નથી.

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઉસિંગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ (ગાહેડ-ક્રેડાઇ) કહે છે કે વૈશ્વિક આર્થિક મંદીનો સમય અને કોરોના સંક્રમણ જેવા બે મોટા પરિબળો રિયલ એસ્ટેટને નડી રહ્યાં છે. લોકોની ખરીદશકિત દ્યટી છે. નોકરીઓ જવાથી બેકારી વધી છે અને નવી સ્કીમો માટે બુકીંગ પણ જોવા મળતા નથી. હાલ જે પ્રોજેકટ ઓનગોઇંગ છે તે હાઉસિંગ લોનના અભાવે પૂર્ણ કરવા પણ કઠીન છે.

જાણીતા બિલ્ડર જગત કારણી કહે છે કે માર્કેટમાં લિકિવડિટીની અછત છે અને છેલ્લા છ મહિનામાં મોટા પ્રમાણમાં જમીનના સોદા પણ થયા નથી. ઇન્વેન્ટરીનું પ્રમાણ ઘટી રહ્યું છે તે સારી નિશાની છે. જીએસટીમાં બદલાવ અને પ્લાન પાસિંગ સિસ્ટમમાં ફેરફારની પણ અસર બજારમાં જોવા મળી છે. કોરોના સંક્રમણના કારણે લોકો હોમલોન લેવાની હિંમત કરી શકતા નથી તેથી બુકીંગ અને ખરીદશકિત ઓછી છે. અમારા મતે નવી સ્કીમોનું લોચીંગ કરવામાં આ સૌથી નબળું વર્ષ છે.

(9:58 am IST)