Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

પાસાના શસ્ત્રને વધુ ધારદાર બનાવાશે

રાજ્ય સરકાર ક્રાઇમની નવી કેટેગરીનો તેમાં સમાવેશ કરશે : હવે આઇજીપી કક્ષાના અધિકારીઓ પણ પાસાનું શસ્ત્ર ઉગામી શકશે : સરકાર કાં તો વટહુકમ અથવા તો ચોમાસુ સત્રમાં કાયદા લાવી પાસા એકટમાં સુધારા - વધારા કરશે

નવી દિલ્હી તા. ૨૭ : ગુજરાત સરકાર પ્રિવેન્શ ઓફ એન્ટી સોશ્યલ એકટીવિટીઝ (પાસા) એકટ ૧૯૮૫માં ધરખમ સુધારા વધારા કરવા જઇ રહી છે. ગુજરાત સરકાર પાસા એકટને વધુ ધારદાર બનાવી તેના દાયરામાં જાતિય સતામણી, સાઇબર ક્રાઇમ, મની લેન્ડીંગ અને જુગારના અડ્ડાઓના સંચાલકોને આવરી લેવા માંગે છે.

સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત સરકાર આવી રહેલા ચોમાસુ સત્રમાં કાંતો વટહુકમ દ્વારા અથવા તો કાયદો લાવી પાસા એકટમાં સુધારા કરવા જઇ રહી છે. રાજ્યની કેબિનેટે સંલગ્ન લોકોને ડ્રાફટ બીલ - વટહુકમ તૈયાર કરવા જણાવ્યું છે કે તેથી એકટમાં સુધારો થઇ શકે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે જે સુધારા કરવા જઇ રહી છે તેમાં નવી કેટેગરીના ક્રાઇમનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. પાસા એકટમાં હવે ગુન્હાહિત પ્રવૃત્તિઓ જેમ કે, જાતિય સતામણી, સાઇબર ફ્રોડ, ગેમ્બલીંગને પણ તેમાં આવરી લેવાશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાસા એકટનો હથોડો વિઝવા માટે એક મહત્વના ઘટનાક્રમમાં આ સુધારા હેઠળ તેના અમલની જવાબદારી વહિવટી વિભાગ પાસેથી ખસેડી પોલીસ વિભાગને સોંપવામાં આવે તેવી શકયતા છે.

અત્રે એ નોંધનીય છે કે, હાલ પાસાનો ઓર્ડર કરવાનું કામ જે તે જિલ્લામાં કલેકટર દ્વારા કરવામાં આવતું હોય છે. (જ્યાં પોલીસ કમિશનરેટ ન હોય ત્યાં) હવે તેમાં બદલાવ કરી રેન્જ આઇજી લેવલના ઓફિસરને પાસા હેઠળ પગલા લેવાની સત્તા સોંપવામાં આવશે.

(11:01 am IST)