Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

GST કાઉન્સીલની બેઠકમાં તડાફડીના એંધાણ

૪ મહિનાથી રાજ્યોને નથી મળ્યું વળતર : બીન ભાજપી રાજ્યો લડી લેવાના મુડમાં : કેન્દ્ર સરકાર કહે છે.... તેની પાસે વળતર ચુકવવાના પૈસા નથી : વિપક્ષો કાર્યવાહીની તૈયારીમાં

નવી દિલ્હી,તા.૨૭ : જી એસ ટી કાઉન્સીલની ૪૧મી બેઠક આજે એટલે કે ૨૭ ઓગષ્ટે થવાની છે. આ વખતની બેઠક ઘણી ગરમા ગરમ ચર્ચાઓ વાળી બની શકે છે. ચર્ચાનો સૌથી મોટો મુદ્દો એ હશે કે કોરોના સંકટમાં આર્થિક ભીડ ભોગવી રહેલા રાજ્યોને જી એસટીનું વળતર કેવી રીતે આપવામાં આવે.

જીએસટી કાઉન્સીલના સુત્રો અનુસાર, આ બેઠકમાં રાજ્યોને વળતર આપવા માટે ફંડ ઉભુ કરવાના ઘણા પ્રસ્તાવો પર વિચારણા  થઇ શકે છે. રાજ્યોને મે, જુન, જુલાઇ અને ઓગષ્ટ એમ ચાર મહિનાનું વળતર નથી મળ્યું. સરકારે હાલમાં જ નાણાકીય બાબતોની સ્થાયી સમિતીને જણાવ્યું છે કે રાજ્યોને વળતર આપવા માટે તેની પાસે પૈસા નથી

ઉલ્લેખનીય છે કે નિયમ અનુસાર, જી એસટી કલેકશનનો લગભગ ૧૪ ટકા હિસ્સો રાજ્યોને આપવો જરૂરી છે. જીએસટી જુલાઇ ૨૦૧૭માં લાગુ કરાયો હતો. જીએસટી કાનુન હેઠળ રાજ્યોને એ વાતની સંપૂર્ણ ગેરંટી અપાઇ હતી કે પહેલા પાંચ વર્ષ સુધી તેમને થનાર કોઇ પણ નુકસાન ભરપાઇ કરવામાં આવશે. એટલે કે રાજ્યોને જુલાઇ ૨૦૨૨ સુધી કોઇપણ પ્રકારના રાજસ્વના નુકસાનનું વળતર ચુકવવામાં આવશે નહીં.

ત્યારે તત્કાલીન નાણા પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું હતું કે રાજ્યોને પુરતું વળતર આપવામાં આવશે પણ હવે તે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિવાદનો મોટો મુદ્દો બનતો જાય છે. બિહાર, પશ્ચિમ બંગાળ, પંજાબ, રાજસ્થાન જેવા રાજ્યો જીએસટી કાઉન્સીલની બેઠકમાં આ મુદ્દો જોર શોરથી ઉઠાવી શકે છે. પશ્ચિમ બંગાળાના નાણા પ્રધાન અમિત મિત્રાલયેએ તો કેન્દ્રીય નાણાં પ્રધાનને પત્ર લખીને આ અંગે માંગણી પણ કરી દીધી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્યોને અપાયેલા વચનનું માન જાળવે. ઝારખંડ, છત્તીસગઢ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને પોંડીચેરી જેવા રાજ્યો પણ આવી માંગણી કરી ચુકયા છે.

સુત્રોએ જણાવ્યું છે કે રાજ્યો હવે આ બાબતે આર પારના મુડમાં છે અને વળતર ન મળવા  અંગે કાઉન્સીલ વિરૂધ્ધ કાર્યવાહી કરવા વિચારી રહ્યા છે. ઘણાં રાજ્યો તો કાઉન્સીલને એવી ચેતવણી પણ આપવાના  છે કે જો વળતર ચુકવવામાં નહીં આવે તો જીએસટીનું પેમેન્ટ જ રોકી દેશે.

બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ મોદીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યુ કે કેન્દ્રએ લોન લઇને પણ રાજ્યોને વળતર ચુકવી આપવું જોઇએ ભલે કાયદાકીય રીતે કેન્દ્ર માટે તે ફરજીયાત ન હોય પણ નૈતિક રીતે આ તેની જવાબદારી છે. પંજાબના નાણા પ્રધાન પ્રકાશસિંહ બાદલે કેન્દ્ર સરકાર દ્વારા વળતર ન ચુકવવાને ''સોવરેન ડીફોલ્ટ'' ગણાવતા કહ્યું કે મોદી સરકાર બંધારણનું માન નથી જાળવતી.

(11:08 am IST)