Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

કર્ણાટકમાં પહેલી ઓકટોબરથી તમામ કોલેજ શરૂ થશે

આ વખતે શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલી સપ્ટેમ્બરથી ઓનલાઇન કલાસના માધ્યમથી થશે

નવી દિલ્હી,તા.૨૭:દેશભરમાં NEET અને JEE પરીક્ષાઓને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કર્ણાટક સરકારે કોલેજો ખોલવાની જાહેરાત કરી દીધી છે. બુધવારે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી ડોકટર સી.એન. અશ્વથ નારાયણે જાહેરાત કરી કે રાજયમાં આગામી પહેલી ઓકટોબરથી તમામ કોલેજ ફરીથી શરૂ થશે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી એસ સુરેશ કુમારે કહ્યુ કે, આ વખતે શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલી સપ્ટેમ્બરથી ઓનલાઇન કલાસના માધ્યમથી થશે. પરંતુ ઓફલાઇન કલાસ ઓકટોબર મહિનાથી શરૂ થશે.

તેમણે કહ્યુ કે, રાજય સરકારનું શિક્ષણ વિભાગ કેન્દ્ર સરકાર તરફથી ઓફલાઇન વર્ગ માટે માર્ગદર્શિકાની રાહ જોઈ રહ્યું છે.

 પ્રાપ્ત વિગત પ્રમાણે કર્ણાટક સરકાર તરફથી ઓકટોબરમાં કેવી રીતે ઓફલાઇન વર્ગોનું આયોજન કરવામાં આવશે તેને લઈને તૈયારી કરવામાં આવી રહી છે.

આ સાથે જ કોરોના કાળમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષા કેવી રીતે કરવામાં આવશે તેનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે

 કોરોના ટેસ્ટિંગ વધારવામાં આવ્યું: એક બાજુ રાજય સરકાર કોલેજો ખોલવાનું પ્લાનિંગ કરી રહી છે ત્યારે બીજી તરફ રાજય સરકાર સતત પોતાની ટેસ્ટિંગ ક્ષમતા વધારી રહી છે. લેબ બેમાંથી વધારીને ૧૦૮ થઈ છે. છેલ્લા પાંચ દિવસોમાં ૩,૨૩,૭૫૩ સેમ્પલની તપાસ કરવામાં આવી છે

 દરરોજ ૫૦ હજારથી વધારે ટેસ્ટિંગ કરવામાં આવે છે. રાજયમાં ૨૫ લાખ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. સરકારની યોજના હવે દરરોજ ૭૫ હજાર સેમ્પલની તપાસ કરવાની છે. કર્ણાટકમાં ૨૫ ઓગસ્ટ સાંજ સુધી કોવિડ ૧૯ના કુલ ૨.૯૧ કેસ સામે આવ્યા છે. જેમાંથી ૨,૦૪,૪૩૯ લોકો સંક્રમણ મુકત થયા છે. રાજયમાં કોરોનાથી ૪,૯૫૮ લોકોનાં મોત થાય છે.

(11:13 am IST)