Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ભાજપ તરફી હોવાની મળી સજા ?

મોદી સરકારને સાણસામાં લેવા કોંગ્રેસે કમીટી બનાવી : આઝાદ-શર્માને સ્થાન નહિ

નવી દિલ્હી, તા. ર૭ : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા બનાવાયેલ આ કમીટીમાં જે નેતાઓને રાખવામાં આવ્યા છે તેમાં પી ચિદમ્બરમ્, દિગ્વિજય સિંહ, જયરામ રમેશ, ડોકટર અમરસિંહ અને ગૌરવ ગોગોઇ સામેલ છે. આ સમિતિમા સંયોજનની જવાબદારી જયરામ રમેશને સોંપવામાં આવી છે. આ સમિતિ કેન્દ્ર દ્વારા બહાર પડાયેલા મુખ્ય અધ્યાદેશો પર ચર્ચા કરીને તેના પર પક્ષનું વલણ નક્કી કરવાનું કામ કરશે.

મીટીંગ દરમ્યાન કોંગ્રેસના ઘણા સભ્યોએ પત્ર લખનાર નેતાઓને ભાજપાના ટેકેદાર ગણાવ્યા હતા. કહેવાય છે કે આઝાદ આ આક્ષેપોથી દુઃખી છે અને તેમણે ત્યારે પણ આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવીને રાજીનામુ આપવાની પેરવી કરી હતી. પત્ર લખનારા અન્ય નેતાઓએ પણ આ આક્ષેપોનું ખંડન કર્યું હતું.

કોંગ્રેસ કાર્યકારિણીની મીટીંગમાં હંગામા પછી ગાંધી પરિવાર ડેમેજ કન્ટ્રોલની કસરતમાં લાગી ગયો છે. પત્ર લખનાર અસંતુષ્ઠ જૂથની આગેવાની લેનાર ગુલામ નબી આઝાદને મનાવવા માટે સોનિયા ગાંધીએ મોર્ચો સંભાળ્યો છે. મીટીંગ પણ તરત જ રાહુલ ગાંધીએ ગુલામ નબીને મળીને સ્થિતિ સુધારવાની કોશિષ કરી હતી.

ગુલામ નબી આઝાદ કાશ્મીરના મુખ્ય પ્રધાન પણ રહી ચૂકયા છે. એક મહિનાની અંદર સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવાનું છે ત્યારે કોંગ્રેસની ટોચની નેતાગીરી એવું નથી ઇચ્છતી કે પક્ષની એકતા પર જોખમ ઉભુ થાય અથવા સંસદમાં તેનો અવાજ નબળો પડે.

(11:28 am IST)