Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ED-CBI એકશનમાં : રિયાના પિતાને મોકલ્યુ સમન્સ

ભાઇ શૌવિકની પૂછપરછ ચાલુ

મુંબઇ તા. ૨૭ : સુશાંતસિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાતમા દિવસે સીબીઆઈ ટીમ ઝડપી તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં આ મામલામાં કેટલાક મોટા ખુલાસાઓ થઈ ચૂકયા છે. રિયાના તાર ડ્રગ ડીલિંગની સાથે જોડાયેલા હોવાના સમાચાર પછી નારકોટિકસ બ્યૂરોએ પણ રિયાની વિરૂદ્ઘ ક્રિમિનલ કેસ દાખલ કર્યો છે. નારકોટિકસ કંટ્રોલ બ્યૂરોના ડીજીએ જણાવ્યું હતું કે દિલ્હીથી એક ટીમ ડ્રગની સાથે જોડાયેલા મામલાની તપાસ કરવા માટે રવાના થઈ ગઈ છે. તો બીજી તરફ રિયાના ભાઈ શૌવિકની ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં સીબીઆઈ પૂછપરછ કરી રહી છે.

સુશાંતના પરિવારના વકીલ વિકાસસિંહે કહ્યું કે સીબીઆઈ પૂરતા પૂરાવા મેળવ્યા પછી જ રિયાની ધરપકડ કરવા માગે છે. જો સીબીઆઈ પૂરાવાઓ વગર રિયાની ધરપકડ કરે તો તેને તરત જમાનત મળી જશે અને તે આ કેસ માટે નુકસાનકારક સાબિત થશે.

આ વચ્ચે ઈડીએ રિયાના પિતા ઇન્દ્રજીત ચક્રવર્તીને ફરી સમન્સ મોકલ્યું છે. ઈડીએ પહેલા પણ તેની પૂછપરછ કરી છે. રિયા ડ્રગ ચેટનો ખુલાસો ઈડીની તપાસમાં થયો છે. ઈડીએ રિયાના ડિલીટ થઈ ગયેલા વોટ્સએપ ચેટ રિકવર કર્યા હતા જેમાં ડ્રગને લઈને વાતચીત સામે આવી છે.

સીબીઆઈની ટીમ સવારે સૌથી પહેલા રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તીની પૂછપરછ કરી રહી છે. આ પહેલા પણ તપાસ એજન્સી શૌવિક સાથે પૂછપરછ કરી ચૂકી છે. આ પહેલા સીબીઆઈની ટીમ બે ગાડીઓમાં સાંતાક્રૂઝ વિસ્તારમાં આવેલા ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચી હતી. આ ગેસ્ટહાઉસમાં સીબીઆઈ આરોપીઓની પૂછપરછ કરી રહી છે.

રિયા ડ્રગ ચેટ સામે આવ્યા પછી નારકોટિકસ કંટ્રોલ બ્યૂરોએ પણ રિયાની વિરૂદ્ઘ ક્રિમિનલ કેસ દાખલ કર્યો છે. તેમની સાથે જ ભાઈ શૌવિક, મેનેજર જયા સાહા, ગૌરવ આર્યા સાથે રિયાના મિત્રોની વિરૂદ્ઘ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એનસીબીના ડાયરેકટર જનરલે જણાવ્યું છે કે મામલાની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે. જે મુંબઈ જવા માટે રવાના થઈ ગઈ છે. મુંબઈની એનસીબી ટીમને પણ આદેશ આપવામાં આવ્યા છે કે તે મુંબઈમાં ડ્રગ ડિલરોની તપાસ શરૂ કરે. સાથે જ મુંબઈની ટીમને બોલિવૂડ નેટવર્ક ઉપર પણ ધ્યાન લગાવવાનું કહેવામાં આવ્યું છે.

(3:01 pm IST)