Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

જેઇઇ અને નીટની પરીક્ષાઓ સમયસર નહીં લેવાય તો યુવાઓની કારકીર્દીને માઠી અસર

વિવિધ વિશ્વ વિદ્યાલયના શિક્ષણવિદ્દોએ વડાપ્રધાનને લખ્યો પત્ર

નવી દિલ્હી તા. ૨૭ : ભારત અને વિદેશોના વિવિધ વિશ્વવિદ્યાલયોના ૧૫૦ થી વધુ શિક્ષણવિંદેએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પત્ર લખી મેડીકલ અને એન્જીનીયરીંગ પ્રવેશ પરીક્ષા જેઇઇ (મુખ્ય) અને નીટ (જી-નીટ) માં જો હજુ વધુ વિલંબ કરાશે તો વિદ્યાર્થીઓની કારકીર્દી પર મોટી અસર થઇ શકવાની ભીતી વ્યકત કરી છે.

કોરોના મહામારીના કારણે અટકેલ આ પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવાના આયોજન સામે જે વિરોધ ઉઠયો છે તેનો ઉલ્લેખ કરીને શિક્ષણવિદ્દોએ કહ્યુ છે કે કેટલીક લોકો પોતાની રાજનીતિનો એજન્ડા આગળ વધારવા વિદ્યાર્થીઓની કારકીર્દી સાથે ખેલવાડ કરે છે.

પત્રમાં જણાવ્યુ છે કે યુવાઓ અને વિદ્યાર્થીઓ રાષ્ટ્રનું ભવિષ્ય છે. પરંતુ કોરોના મહામારીના કારણે તેમની કારકીર્દીને ભારે અસર પહોંચી છે. પ્રવેશ અને ધોરણ બાબતે ઘણી મોટી આશંકાઓ છે. જે ઝડપથી હલ થવી જરૂરી છે.

દર વર્ષેની માફક આ વર્ષે પણ લાખો વિદ્યાર્થીઓએ ધો.૧૨ ની પરીક્ષા આપી છે ત્યારે હવે આગળના પ્રવેશ માટેની પરીક્ષાઓને લઇને ઝુરી રહ્યા છે. સરકારે જેઇઇ અને નીટની તારીખો જાહેર કરી છે પણ જો પરીક્ષા લેવામાં હવે વિલંબ કરાશે તો યુવા અને વિદ્યાર્થીઓની કારકીર્દીને મોટુ નુકશાન થઇ શકે છે. રાજકારણ દુર રાખી વિદ્યાર્થીઓના ભવિષ્યનો ખ્યાલ કરવો જોઇએ.

દિલ્હી વિશ્વ વિદ્યાલય, ઇગ્નુ, લખનૌ વિશ્વ વિદ્યાલય, જેએનયુ, બીએચયુ, આઇઆઇટી દિલ્હી, લંડન વિશ્વ વિદ્યાલય, કેલીફોર્નિયા વિશ્વ વિદ્યાલય, હીબ્રુ યુનિવર્સિટી ઓફ યરૂશલમ, ઇઝરાઇલ  ના બેન ગુરયિન વિશ્વવિદ્યાલયના ભારતીય શિક્ષણવિદ્દોએ સહીઓ સાથેના આ પત્રમાં નીટની પરીક્ષાઓ ઝડપથી લેવાય જાય તેવી અંતમાં રજુઆત કરી છે.

(3:56 pm IST)