Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ઓરિસ્‍સામાં મળી આવ્‍યુ નારંગી અને કાળા રંગનું વિચિત્ર ચામાચીડીયુઃ રાજ્‍યના ગુણપુર વિસ્‍તારમાં આ દુર્લભ પેઇન્‍ટેડ બેટ જાતિનું ચામાચીડીયુ મળી આવ્‍યાની તસ્‍વીર વન વિભાગના અધિકારીએ સોશ્‍યલ મીડિયામાં શેર કરી

નવી દિલ્હી: આ દુનિયા અનેક ચમત્કારોથી ભરેલી છે એમાં કોઈ જ શક નથી. દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાયેલો અને તેના ફેલાવવાનું કારણ ચીનના ચામાચિડિયા ગણાય છે. સ્થિતિ એવી છે કે લોકો ચામાચિડિયાના નામથી જ ગભરાવવા લાગ્યા છે. આવામાં એક અનોખુ ચામાચિડિયું જોવા મળ્યું છે.

ઓડિશામાં મળી આવ્યું અનોખુ ચામાચિડિયું

કોવિડ-19 (Covid-19) ના કારણે બાળકો અને મોટા બધા ચામાચિડિયાથી પરિચિત થઈ ગયા છે. અંગ્રેજીમાં બેટ (bat) નામથી પ્રખ્યાત ચામાચિડિયાની દુનિયાભરમાં અનેક પ્રજાતિઓ મળી આવે છે. આપણામાંથી મોટાભાગના લોકોએ કાળા ચામાચિડિયા જ જોયા છે અને સામાન્ય રીતે દરેક જગ્યાએ તેની જ તસવીરો જોવા મળે છે. જો કે હાલ ઓડિશામાં ખુબ જ અનોખુ ચામાચિડિયું જોવા મળ્યું છે. વન વિભાગમાં અધિકારી સુશાંત નંદાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચામાચિડિયાની એક તસવીર શેર કરી છે. આ તસવીર ખુબ ખાસ છે કારણ કે તેમાં જોવા મળેલું ચામાચિડિયું કાળા રંગનું નથી પરંતુ નારંગી અને કાળા રંગનું છે. તેને જોઈને એવું લાગે છે કે જાણે કોઈ કલાકારે ખુબ જ ઝીણવટપૂર્વક તેને પેઈન્ટ કર્યું હોય. તેના ખુબસુરત કલર જોઈને તમે ચામાચિડિયા વિશે ફેલાયેલી નકારાત્મક વાતોને થોડા સમય માટે જાણે ભૂલી જ જશો. આ રંગબેરંગી ચામાચિડિયુ ઓડિશાના ગુણપુર વિસ્તારમાં જોવા મળ્યું હતું.

દુર્લભ જાતિનું છે 'પેઈન્ટેડ બેટ'

આ રંગબેરંગી પ્રજાતિના બેટને હજુ સુધી કોઈ ખાસ નામ ન આપીને તેને પેઈન્ટેડ બેટના નામથી જ ઓળખાય છે. તેનું વૈજ્ઞાનિક નામ કેરિવોલા પિક્ટા છે. તે મોટાભાગે સૂકા વિસ્તારો કે ટ્રી હોલ્સમાં મળી આવે છે. તેનું વજન માત્ર 5 ગ્રામ હોય છે. 38 દાંતવાળું આ ચામાચિડિયું ફક્ત કીડા મકોડા ખાય છે. ચામાચિડિયાની આ પ્રજાતિ ભારત અને ચીન સહિત અનેક એશિયાઈ રાજ્યોમાં મળી આવે છે. ભારતની વાત કરીએ તો ઓડિશા અગાઉ આ ચામાચિડિયું ડિસેમ્બર 2019માં કેરળમાં જોવા મળ્યું હતું. ચામાચિડિયાની બીજી પ્રજાતિઓની સરખામણીમાં આ પેઈન્ટેડ બેટ ખુબ જ સુંદર લાગે છે.

(5:22 pm IST)