Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

સુશાંતસિંહ રાજપૂત કેસમાં સીબીઆઇએ હવે રિયા ચક્રવર્તીના ભાઇની પૂછપરછ શરૂ કરીઃ મોન્‍ટ બ્‍લેન્‍ક બિલ્‍ડીંગના વોચમેન સહિત કુલ 6 લોકોને પૂછપરછ માટે ડીઆરડીઓ ગેસ્‍ટ હાઉસની અંદર રખાયા

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત મોત કેસ CBIના હાથમાં આવ્યા બાદ સતત લોકોની પૂછપરછનો સિલસિલો ચાલુ છે. સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાનીની વારંવાર પૂછપરછ થઈ રહી છે. ત્યાં હવે પહેલીવાર CBIએ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તીને પૂછપરછ માટે બોલાવ્યો છે. શોવિક DRDO ગેસ્ટ હાઉસ પહોંચ્યો છે. તેની સાથે હાલ અંદર 5 લોકો છે.

શોવિક ચક્રવર્તીની સાથે સિદ્ધાર્થ પિઠાની, નીરજ, રજત મેવાતી, મોન્ટ બ્લેન્ક બિલ્ડિંગનો વોચમેન સહિત કુલ 6 લોકો પૂછપરછ માટે DRDO ગેસ્ટ હાઉસની અંદર છે. આ લોકોને કયા સવાલો પૂછવામાં આવી રહ્યાં છે તે અંગે કોઈ ખુલાસો થયો નથી.

સિદ્ધાર્થ પિઠાની પર છે શક!

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સિદ્ધાર્થ પિઠાનીની મંગળવારે 14 કલાક સુધી પૂછપરછ થયા બાદ બુધવારે પણ લગભગ 13 કલાક જેટલી લાંબી પૂછપરછ થઈ નહતી. ગત રાતે લગભગ 10:45 વાગે સિદ્ધાર્થ પિઠાની, કૂક નીરજ, અને સુશાંતના બિલ્ડિંગના વોચમેન કલીના સ્થિત ડીઆરડીઓ ગેસ્ટ હાઉસથી બહાર નીકળ્યા હતાં.

રિયાના પિતાને EDએ કર્યા છે તલબ

આ બાજુ ED એ રિયાના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તીને સમન પાઠવ્યું છે. EDએ ઈન્દ્રજીત ચક્રવર્તીને કેટલાક જરૂરી દસ્તાવેજો પણ લઈને આવવા કહ્યું છે. તેમના બેંકના લોકરની ચાવી પણ માંગવામાં આવી છે. ઈડી અગાઉ પણ તેમની પૂછપરછ કરી ચૂકી છે.

જલદી થશે સંદીપની પૂછપરછ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ ફિલ્મ ડાઈરેક્ટર સંદીપ સિંહની પણ જલદી પૂછપરછ કરશે. સંદીપ સિંહના કોલ ડીટેલથી ખુલાસો થયો છે કે તેની સુશાંત સાથે લાંબા સમયથી વાતચીત થઈ નહતી. પરંતુ સુશાંતના મોત બાદ સંદીપ મૃતદેહ હોસ્પિટલ લઈ જનારી એમ્બ્યુલન્સ ડ્રાઈવર અને તપાસ અધિકારી ભૂષણ બેલનેકર સાથે સતત સંપર્કમાં હતો. આ સાથે જ પરિવારનું પણ કહેવું છે કે સ્મશાન ભૂમિમાં પણ જ્યારે પોલીસે ફક્ત 20 લોકોની યાદી આપવાની વાત સામે આવી તો સંદીપ સિંહે પોતાના મનથી જ 20 લોકોની યાદી આપી દીધી હતી. પરિવારને પૂછવામાં આવ્યું જ નહતું. 

(5:23 pm IST)