Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

દેશમાં કોરોના સંક્રમનને કારણે GST કલેકશનમાં અધધધ રૂ. ૨.૩૫ લાખ કરોડનો ઘટાડો થયો

આજે મળેલી GST કાઉન્સિલની ૪૧મી બેઠકમાં નાણાંમંત્રી નિર્મલા સીતારામને અંકડાકીય માહિતી રજૂ કરી : રાજ્યો ને વળતર આપવામાં બે પ્રકારના વિકલ્પો પર ચાલતી વિચારણા..

નવી દિલ્હીઃ જીએસટી (GST) કાઉન્સિલની 41મી બેઠકના અધ્યક્ષપદે બિરાજતા નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે એક્ટ ઓફ ગોડના લીધે વર્તમાન નાણાકીય વર્ષમાં આર્થિક સંકોચન જોવા મળી શકે છે. તેમણે જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલને 2020-21ના નાણાકીય વર્ષમાં લગભગ 2.35 લાખ કરોડ રૂપિયાની ઘટ પડી શકે છે. પાંચ કલાકની મેરેથોન બેઠક પછી સીતારામને જણાવ્યું હતું કે રાજ્યોને વળતર આપવા માટે બે વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી.

GST અમલીકરણના વખતે 97,000 કરોડની ઘટ અંદાજાઈ

સીતારામને જણાવ્યું હતું કે આ વર્ષે વળતરનો તફાવત વધીને 2.35 લાખ કરોડ રૂપિયા થવાનો છે. આ ઘટનું કારણ કોવિડ-19 છે. જીએસટીના અમલીકરણના લીધે પડનારી ઘટ 97,000 કરોડ અંદાજવામાં આવી છે. તેમા પ્રથમ વિકલ્પ જીએસટી કાઉન્સિલ દ્વારા રાજ્યોને રિઝર્વ બેન્ક સાથે સલાહમસલત કરીને સ્પેશિયલ વિન્ડો આપવામાં આવે તે છે. તેના દ્વારા યોગ્ય દરે 97,000 કરોડની ફાળવણી કરવામાં આવી શકે છે. આ નાણા પાંચ વર્ષ પછી સેસના સ્વરૂપમાં ચૂકવાશે, એમ મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું હતું. બીજો વિક્પ જીએસટી વળતરનો 2,35,000 કરોડનો આ વર્ષે પડનારો ગેપ રિઝર્વ બેન્કની સલાહમસલતથી આગળ ખેંચવામાં આવે.

રાજ્યોને ચાર મહિનાથી વળતર ચૂકવવુ બાકી

સીતારામને જણાવ્યું હતું કે રાજ્યોએ તેના પર વિચાર કરવા માટે સાત દિવસની વિન્ડો માંગી છે અને પછી તે નાણા મંત્રાલયને જવાબ આપશે. આ વિકલ્પો વર્તમાન નાણાકીય વર્ષમાં જ ઉપલબ્ધ રહેશે. આગામી વર્ષે એપ્રિલમાં સ્થિતિની ફરીથી સમીક્ષા થશે અને દેશના શ્રેષ્ઠ હિતમાં નિર્ણય લેવામાં આવશે, એમ સીતારામને જણાવ્યું હતું.

વર્તમાન નાણાકીય વર્ષમાં રાજ્યોને ચાર મહિના એપ્રિલ, મે, જુન અને જુલાઈથી વળતરની ચૂકવણી બાકી છે. મહેસૂલ સચિવે જણાવ્યું હતું કે રાજ્યોને અત્યાર સુધી જીએસટી વળતર પેટે 1.5 લાખ કરોડની રકમ ચૂકવવાની છે. આ વળતર ચૂકવી ન શકવાનું કારણ એપ્રિલ અને મે મહિનામાં કોઈપણ પ્રકારનું જીએસટી કલેક્શન જ થયું ન હતુ તે હતુ, એમ તેમણે જણાવ્યું હતું.

GST કલેક્શનમાં 14 ટકા વૃદ્ધિનો અંદાજ હતો

જીએસટી કાયદા હેઠળ રાજ્યોને જીએસટી અમલીકરણ પહેલી જુલાઈ 2017થી શરૂ થયુ તેના પ્રથમ પાંચ વર્ષ સુધી આવકમાં કોઈપણ પ્રકારની ઘટ પડે તો તેનું વળતર આપવા કેન્દ્ર બંધાયેલું છે. રાજ્યો દ્વારા 2015-16ના આધાર વર્ષે જીએસટી કલેક્શનમાં 14 ટકાની વાર્ષિક વૃદ્ધિને અંદાજીને આ ઘટની ગણતરી કરવામાં આવી હતી.

(8:17 pm IST)