Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પક્ષના નેતા જિતિન પ્રસાદને લક્ષ્યાંક બનાવવા સામે કપિલ સિમ્બલ ગિન્નાયા : બનાવને કમનસીબ ગણાવી કોંગ્રેસને ભાજપ ઉપર સર્જીકલ સ્ટ્રાઇક કરવાની પત્ર દ્વારા સલાહ પણ આપી

લખીમપુર ખેરી જીલ્લા કોંગ્રેસે પ્રસાદ સામે પગલા ભરવાની માંગ કરતો ઠરાવ પસાર કરતા સર્જાઇ મડાગાંઠ

નવી દિલ્હીઃ પક્ષના વડાને સંગઠનાત્મક મોરચે ધરમૂળથી ફેરફાર કરવાનો પત્ર લખનારા કોંગ્રેસના અગ્રણી નેતાઓમાં એક કપિલ સિબલે ગુરુવારે આરોપ મૂક્યો હતો કે ઉત્તરપ્રદેશમાં પક્ષના નેતા જિતિન પ્રસાદને લક્ષ્યાંક બનાવાઈ રહ્યા છે અને તેમણે બનાવને કમનસીબ ગણાવ્યો હતો. પ્રસાદ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રહી ચૂક્યા છે અને તેઓ પણ પત્ર પર સહી કરનારાઓમાં એક હતા, જેમા પૂર્ણકાલીન પક્ષપ્રમુખની માંગ કરવામાં આવી છે. તેમને પણ કોંગ્રેસ કાર્યકારી સમિતિ (સીડબલ્યુસી)માં સ્થાન આપવામાં આવ્યુ છે.

સિબલે ટિવટર પર જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં જિતિન પ્રસાદને રીતસરના લક્ષ્યાંક બનાવાઈ રહ્યા છે, કોંગ્રેસે પોતાના નેતાઓને નિશાન બનાવીને તેની ઊર્જા વેડફવાના બદલે ભાજપ પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જરૂર છે. પ્રકારના પત્ર પર સહી લખનારા કોંગ્રેસના બીજા એક નેતા મનીષ તિવારેએ ટ્વિટર પર ફક્ત એક શબ્દ લખ્યો હતો કે પ્રિસિયન્ટ. એટલે કે અગમબુદ્ધિ.

લખીમપુર ખેરી ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસે પ્રસાદ સામે પગલા લેવાની માંગ કરતો ઠરાવ પસાર કર્યો હતો. તેઓ ઉત્તરપ્રદેશના આગેવન છે. તેમના પર ગાંધી કુટુંબની વિરોધમાં જવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જિતિન પ્રસાદના પિતા જિતેન્દ્ર પ્રસાદ ભૂતકાળમાં પણ સોનિયા ગાંધી સામે કોંગ્રેસ પ્રમુખના હોદ્દા સામે ચૂંટણી લડ્યા હતા, પરંતુ નિષ્ફળ ગયા હતા, ડીસીસીએ જણાવ્યું હતું.

સીડબલ્યુસીએ સોનિયા ગાંધીને વિનંતી કરી છે કે તેઓ પક્ષપ્રમુખ તરીકે જારી રહી અને સંગઠનાત્મક ફેરફારો લાવે તેના પછી આરોપ મૂકાયા છે. સીડપલ્યુસીએ નેતાગીરીના મુદ્દે ચર્ચા યોજી હતી અને બેઠક 20થી નેતાઓએ નેતાગીરીના મુદ્દે લખેલા પત્રના સંદર્ભમાં યોજવામાં આવી હતી. જો કે માનવામાં આવે છે તે રીતે બેઠક તોફાની નીવડી હતી. રાહુલ ગાંધીએ પત્રને લાગણીજન્ય રીતે લેતા પક્ષના વરિષ્ઠ આગેવાનો પર ભાજપની મિલિભગતનો આરોપ મૂક્યો હતો. તેના પગલે પ્રકારનો પત્ર લખનારા પક્ષના વરિષ્ઠ નેતાઓ નારાજ થઈ ગયા હતા. ગુલામનબી આઝાદે પણ કહ્યુ હતું કે જો ભાજપ સાથેની મિલિભગત ક્યાંય પણ સાબિત થશે તો તેઓ પક્ષના દરેક પદ પરથી રાજીનામુ આપી દેશે. જ્યારે કપિલ સિબલે પહેલા ટિવટ કર્યુ હતુ કે આટલા વર્ષો કોંગ્રેસ માટે આપ્યા તેનો શિરપાવ છેવટે ગદ્દાર કરીને આપવામાં આવ્યો. તેમણે કહ્યું હતું કે મારા માટે હોદ્દા કરતાં મોટો દેશ છે.

ઉલ્લેખનીય છે કે શશી થરૂરની આગેવાની હેઠળ કોંગ્રેસના સંગઠનાત્મક માળખામાં ફેરફાર લાવવા માટે જી-23 નેતાઓએ રાજસ્થાનના પ્રકરણ વખતે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. તેમા તેમણે પક્ષને વધારે સક્રિય અને કાયમ ઉપલબ્ધ રહી શકે તેવા પક્ષપ્રમુખની જરૂરિયાત હોવાનું કહ્યું હતું.

(10:09 pm IST)