Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

પક્ષ પ્રમુખને પૂર્ણ સત્તા મળે તે હેતુથી પત્ર લખ્યો હતો : ગુલામ નબીઆઝાદ

CWCની બેઠકમાં ૨૩ નેતાઓના લેટરથી વિવાદ : કોંગ્રેસમાં ઊભો થયેલો પક્ષ પ્રમુખને લઈને વિવાદ હજુ પણ અટકતો જ નથી : હવે નેતાઓની સ્પષ્ટતાઓનો મારો

નવી દિલ્હી, તા. ૨૭ : ગાંધી પરિવારની કોઈ વ્યક્તિ વચગાળાની પ્રમુખ બને તો તેને નિર્ણય લેવાનો કોઈ અધિકાર મળ્યો ન હોત એટલા કારણથી જ અમે નેતાગીરી અંગેનો પત્ર લખ્યો હતો, તેમ કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે કહ્યું છે. અમે ઇચ્છતા હતા કે સોનિયાજી રાજીનામું ન આપે. એટલે અમે પત્ર દ્વારા એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે પક્ષને એક કાયમી પ્રમુખ મળવા ઘટે. ૨૪ ઑગસ્ટની કારોબારીની બેઠકમાં આ પત્રે હોબાળો મચાવ્યો હતો. આટલા સિનિયર નેતાઓએ આવો પત્ર લખવાની હિંમત કેમ કરી તેવો સવાલ પણ કરાયો હતો.

જે ૨૩ નેતાઓએ પત્ર લખ્યો હતો તેમાં જમ્મુ કશ્મીરના સિનિયર નેતા ગુલામ નબી આઝાદનો પણ સમાવેશ થતો હતો. એક મુલાકાતમાં તેમણે પોતાના તરફથી એવી સ્પષ્ટતા કરી હતી કે પત્ર શા માટે લખવો પડ્યો હતો. આઝાદે કહ્યું કે ગયા વરસે રાહુલ ગાંદીએ પક્ષના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું હતું. સોનિયાજીની તબિયત સારી નહોતી એ હકીકત બધાં જાણતા હતા. એ સંજોગોમાં અમે રાહુલ ગાંધીને મનાવવાના ખૂબ પ્રયાસો કર્યા હતા પરંતુ એ માન્યા નહીં એટલે સોનિયાજી વચગાળાના અધ્યક્ષ બન્યાં અને તેમનો કાર્યકાળ પૂરો થવા આવ્યો ત્યારે અમને થયું કે સોનિયાજી રાજીનામું આપે તો ગાંધી પરિવાર સિવાયના કોઇને અધ્યક્ષ બનાવવા પડે. એવું થતું અટકાવવવાની ભાવનાથી અમે સોનિયાજીને પત્ર લખીને કાયમી પ્રમુખ નીમવાની વિનંતી કરી હતી. પત્રમાં નહેરુ પરિવાર અને ગાંધી પરિવારના પ્રદાનની પ્રશંસા પણ કરાઇ હતી. ધારો કે ગાંધી પરિવાર સિવાયની કોઇ વ્યક્તિ અધ્યક્ષ બને તો પક્ષના કામકાજને પ્રતિકૂળ અસર થાત કારણ કે એ વ્યક્તિ તમામ નિર્ણયો સ્વતંત્રપણે લઇ શકે એવો વિશેષાધિકાર એને આપવામાં ન આવ્યો હોત.

(10:15 pm IST)