Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ન્‍યાયપાલિકામાં મહિલાઓને ૫૦ ટકા અનામત આપોઃ ચીફ જસ્‍ટીસ રમન્‍ના

પરોપકારની વાત નથી, પરંતુ તેમનો અધિકાર છે

નવી દિલ્‍હી,તા. ૨૭: ચીફ જસ્‍ટીસ એન.વી.રમન્નાએ જણાવ્‍યું કે મહિલાઓને ન્‍યાયપાલિકામાં ૫૦ ટકા અનામત મળવું જોઈએ. ન્‍યાયપાલિકામાં અનામત મળવું મહિલાઓનો અધિકાર છે, આ કોઈ પરોપકાર નથી.
ચીફ જસ્‍ટીસે કહ્યું કે તમામ લો કોલેજોમાં પણ મહિલાઓને અનામત મળવું જોઈએ. ચીફ જસ્‍ટીસ માને છે કે ન્‍યાયિક વ્‍યવસ્‍થામાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે મહિલાઓને અનામત આપવી જોઈએ, તે મહિલાઓનો અધિકાર છે અને તેઓ તેના હકદાર છે. સીજેઆઈએ કહ્યું કે હજારો વર્ષોના દમન પછી ન્‍યાયતંત્રમાં મહિલાઓનું ૫૦ ટકા પ્રતિનિધિત્‍વ કરવાનો સમય આવી ગયો છે. તે પરોપકારની વાત નથી, પરંતુ તેમનો અધિકાર છે.
તેમણે કહ્યું હતું કે, નીચલા ન્‍યાયતંત્રમાં મહિલાઓની ભાગીદારી માત્ર ૩૦ ટકા છે. બીજી તરફ હાઈકોર્ટમાં મહિલા ન્‍યાયાધીશોની સંખ્‍યા ૧૧.૫ ટકા છે. અહીં સુપ્રીમ કોર્ટમાં અમારી પાસે હાલમાં ૩૩માંથી ૪ મહિલા ન્‍યાયાધીશો છે. તે ફક્‍ત ૧૨ ટકા છે. સીજેઆઈ રામનાએ કહ્યું હતું કે, દેશના ૧૭ મિલિયન વકીલોમાંથી માત્ર ૧૫ ટકા મહિલાઓ છે. આ સાથે જ સ્‍ટેટ બાર કાઉન્‍સિલમાં ચૂંટાયેલી મહિલાઓની સંખ્‍યા માત્ર ૨ ટકા છે.
મુખ્‍ય ન્‍યાયાધીશ એનવી રામનાએ કહ્યું હતું કે,‘મેં  મહિલાઓનો મુદ્દો ઉઠાવ્‍યો છે કે બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા રાષ્ટ્રીય સમિતિમાં એક પણ મહિલા પ્રતિનિધિ કેમ નથી?' મહિલાઓની ભાગીદારીના આ મુદ્દાઓને તાત્‍કાલિક ઉકેલવાની જરૂર છે. મુખ્‍ય ન્‍યાયાધીશે પણ તેમના મુદ્દામાં કાર્લ માર્ક્‍સનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, હું મહિલાઓ માટે આરામદાયક વાતાવરણ રહે તે સુનિヘતિ કરવા પ્રયાસો કરી રહ્યો છું. તેમાં વિવિધ પડકારોનો સમાવેશ થાય છે, જેમાં મહિલાઓ માટે માળખાગત સુવિધાઓનો અભાવ, વકીલોની પ્રાથમિકતા, પ્રતિકૂળ વાતાવરણ, પુરુષોથી ભરેલો કોર્ટ રૂમ, મહિલાઓ માટે વોશરૂમનો અભાવ વગેરેનો સમાવેશ થાય છે. હું આ બધી વસ્‍તુઓ માટે પ્રયત્‍ન કરી રહ્યો છું.
ન્‍યાયતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે મુખ્‍ય ન્‍યાયાધીશે અનામતના મુદ્દાને બીજી વાર ટેકો આપ્‍યો છે. તેમણે બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા કાર્યક્રમમાં ન્‍યાયિક વ્‍યવસ્‍થામાં મહિલાઓના પ્રતિનિધિત્‍વનો મુદ્દો પણ ઉઠાવ્‍યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષ સુધી પણ મહિલાઓ તમામ સ્‍તરે ૫૦ ટકા ભાગ લઈ શકી નથી, જે હવે થવાની સંભાવના છે.

 

(10:10 am IST)