Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

પરસ્‍પર લગ્નના વચનો આપીને સંબંધ બનાવ્‍યા બાદ ‘બ્રેકઅપ'કરવું બળાત્‍કાર ન કહેવાય

બોમ્‍બે હાઈકોર્ટનો મોટો ચુકાદો

મુંબઇ,તા. ૨૭: પ્રેમિકા સાથે લાંબા ગાળાના સંબંધો રાખી જો પ્રેમી તેની છેલ્લી ક્ષણે લગ્ન કરવાનો ઇનકાર કરે છે, તો તે બળાત્‍કારી નહીં કહેવાય. આ નિર્ણય બોમ્‍બે હાઈકોર્ટે સંભળાવ્‍યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્‍યું હતું કે પીડિત મહિલાની ફરિયાદના આધારે અને રજૂ કરેલા પુરાવાઓના આધારે સાબિત થાય છે કે આરોપીએ પછીથી લગ્નનો વિચાર ભલે બદલી નાખ્‍યો હોય, પરંતુ પહેલા આરોપીનો ઇરાદોસ્ત્રી સાથે લગ્ન કરવાનું હતું. આ કારણે આરોપી સામે બળાત્‍કારનો કેસ બનતો નથી. આ અભિપ્રાય મુંબઈ હાઈકોર્ટની ઓરંગાબાદ બેન્‍ચે વ્‍યક્‍ત કર્યો છે.
૩૦ વર્ષીય મહિલાએ આરોપી વિરુદ્ધ બળાત્‍કાર અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. કહેવામાં આવ્‍યું હતું કે આરોપીએ લગ્નનું વચન આપ્‍યું હતું અને આ ખોટા વચન પર વિશ્વાસ રાખીને બંને વચ્‍ચે શારીરિક સંબંધ બંધાયા હતા. બંને પરિવારો વચ્‍ચે વાતચીત પણ થઈ. તે સમયે પણ આરોપી લગ્ન માટે તૈયાર હતો. આરોપીએ જણાવ્‍યું હતું કે કોવિડ સમયગાળો પસાર થયા બાદ તે લગ્ન કરશે. પરંતુ હવે તે લગ્નથી પીછેહઠ કરી રહ્યો છે. આ ફરિયાદ સામે કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપીએ દલીલ કરી હતી કે તેણે મહિલા સાથે સહમતિથી શારીરિક સંબંધ બાંધ્‍યા હતા. તેથી તેની સામે બળાત્‍કારનો કેસ બનતો નથી. કોર્ટે આરોપીની આ દલીલ સ્‍વીકારી.
જસ્‍ટિસ સુનીલ દેશમુખ અને જસ્‍ટિસ નીતિન સૂર્યવંશીની ડિવિઝન બેન્‍ચે આ મામલાની સુનાવણી બાદ પોતાના ચુકાદામાં જણાવ્‍યું હતું કે જયારે બંને પરિવારો મળ્‍યા ત્‍યારે આરોપીઓએ લગ્નની સંમતિ દર્શાવી હતી. એકબીજા વચ્‍ચેના પ્રેમ અને પરસ્‍પર સંમતિને કારણે બંને વચ્‍ચે શારીરિક સંબંધો બન્‍યા. બાદમાં પ્રેમીએ પોતાનો વિચાર બદલી નાખ્‍યો અને તેને હવે લગ્નમાં રસ નથી. આવી સ્‍થિતિમાં તે સ્‍પષ્ટ છે કે આરોપી અગાઉ લગ્ન માટે તૈયાર હતો. એટલે કે જયારે શારીરિક સંબંધ બંધાયા ત્‍યારે તેનો લગ્ન કરવાનો ઈરાદો હતો. આવી સ્‍થિતિમાં હવે જયારે તે લગ્ન માટે તૈયાર નથી, તેનો અર્થ એ નથી કે અગાઉ થયેલા શારીરિક સંબંધને બળાત્‍કાર માનવો જોઈએ.

 

(10:11 am IST)