Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

આજે ભારત બંધનું એલાન : કોંગ્રેસ સહિતના પક્ષોનું સમર્થન

ઠેરઠેર ચક્કાજામ : રેલ રોકો : વિરોધ પ્રદર્શન

કૃષિ કાનુન સામે કિસાન સંગઠનો એ આપેલા ‘ભારત બંધ'ના એલાન : બિહાર - પંજાબ - હરિયાણા - કર્ણાટક - કેરળ - દિલ્‍હીમાં અસર જોવા મળી

નવી દિલ્‍હી તા. ૨૭ : ત્રણ નવા કૃષિ કાનુન વિરૂધ્‍ધ કિસાન સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્‍યું છે. ખેડૂતોના ભારત બંધના એલાનને કોંગ્રેસ સહિતના પક્ષોએ સમર્થન આપ્‍યું છે. ખેડૂતોના ભારત બંધની અસર અનેક રાજ્‍યોમાં જોવા મળી રહી છે. પંજાબ, હરિયાણા, યુપી, બિહાર અને કર્ણાટક સહિત અનેક રાજ્‍યોમાં ખેડૂતો રસ્‍તા ઉપર ઉતરી આવ્‍યા છે. ઠેરઠેર રેલ રોકો, ચક્કાજામ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ બંધનું એલાન સવારે ૬ થી સાંજે ૪ સુધી ચાલવાનું છે. દિલ્‍હીની સરહદે પહેલેથી જ હજારો ખેડૂતો એકઠા થયા છે. પોલીસ બધા રાજ્‍યોમાં એલર્ટ પર છે.
દિલ્‍હી સાથે જોડાયેલ સરહદો જેમ કે ગાજીપુર અને સિંધુ બોર્ડર પર ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અનેક જગ્‍યાએ રોડ જામ કરી દીધા છે જેના કારણે ટ્રાફિક ડાયવર્ટ કરવો પડયો છે.
     કેરળમાં ભારત બંધની અસર જોવા મળી રહી છે. માર્ગો સુમસામ ભાસી રહ્યા છે. પાટનગરમાં દુકાનો બંધ છે. ટ્રેડ યુનિયનોએ પણ ટેકો આપતા બંધની અસર જોવા મળી રહી છે.
     કર્ણાટકમાં ભારત બંધના સમર્થનમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે તો પંજાબમાં ધરણા - પ્રદર્શન - રોડ બ્‍લોક - રેલ રોકો આંદોલન થઇ રહ્યું છે. બિહારમાં રાજદના કાર્યકરો રસ્‍તા પર ઉતરી આવ્‍યા છે અને ઠેરઠેર આંદોલન થઇ રહ્યું છે.
     કૃષિ કાનુનનો વિરોધ કરી રહોલ ખેડૂતોએ દિલ્‍હી - અમૃતસર નેશનલ હાઇવે બ્‍લોક કરી દીધો છે. અમૃતસરમાં અમૃતસર - દિલ્‍હી રેલવે ટ્રેક પર દેખાવકારો ધરણા દઇ રહ્યા છે.
     હરિયાણામાં ખેડૂતોએ ઠેરઠેર રસ્‍તા જામ કરી દીધા છે. રોહતકમાં સ્‍ટેટ હાઇવે જામ કરી દેવામાં આવેલ છે.
     ભારત બંધને કારણે દિલ્‍હી, યુપી અને પંજાબમાં વાહન વ્‍યવહાર ઠપ્‍પ થઇ ગયા છે. પ.બંગાળમાં ખેડૂતોએ રેલી કાઢી છે.
ખેડૂતો કેએમપી એક્‍સપ્રેસ-વે પર બેઠેલા છે. તેને જોતા પોલીસે એક્‍સપ્રેસ-વે બંધ કરી દીધો છે. તે ઉપરાંત રેડ ફોર્ટની તરફ જનાર બંને રસ્‍તાને બંધ કરી દેવામાં આવ્‍યા છે. દિલ્‍હી ટ્રાફિક પોલીસે જણાવ્‍યું કે છતા રેલ અને સુભાષ બંને સાઇડથી બંધ છે.
ભારત બંધ પર રાહુલ ગાંધીનું ટ્‍વીટ
કૃષિ કાયદા વિરૂદ્ધ બોલાવવામાં આવેલા ભારત બંધને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્‍વીટ કર્યું છે. તેમણે કહ્યું કે ખેડૂતોના અહિંસક સત્‍યાગ્રહ આજે પણ અખંડ છે. પરંતુ શોષણકાર સરકારને આ પસંદ નથી.
     ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્‍તા રાકેશ ટિકૈતએ કહ્યું કે ‘એમ્‍બ્‍યુલન્‍સ, ડોક્‍ટર અથવા ઇમરજન્‍સી સ્‍થિતિમાં પસાર થનાર લોકો જઇ શકે છે. અમે કશું જ સીલ કર્યું નથી, અમે ફક્‍ત એક સંદેશ મોકલવા માંગીએ છીએ. અમે દુકાનદારોને અપીલ કરીએ છીએ કે તે પોતાની દુકાનો અત્‍યારે બંધ રાખે અને સાંજે ૪ વાગ્‍યા પછી જ ખોલે, બહારથી અહીં કોઇ ખેડૂત આવી રહ્યા નથી.
દિલ્‍હી-યૂપી બોર્ડર પર ટ્રાફિક બંધ
દિલ્‍હી ટ્રાફિક પોલીસ એ ટ્‍વીટ કરીને જણાવ્‍યું કે ‘ખેડૂત સંગઠનો તરફથી બોલાવવામાં આવેલા ભારત બંધ ને ધ્‍યાનમાં રાખતાં ઉત્તર પ્રદેશથી દિલ્‍હીના ગાજીપુર તરફથી જનાર ટ્રાફિક મૂવમેંટને રોકી દેવામાં આવી છે.'
ખેડૂતોએ બંધ કરી શંભૂ બોર્ડર
ભારત બંધમાં સામેલ ખેડૂત સંગઠનોએ પંજાબ અને હરિયાણાની શંભૂ બોર્ડર બંધ કરી દીધી છે. એક ખેડૂતે જણાવ્‍યું કે ‘ભારત બંધ'ના આહવાનને જોતાં અમે સાંજે ચાર વાગ્‍યા સુધી શંભૂ બોર્ડર (પંજાબ-હરિયાણા બોર્ડર)ને બંધ કરી દીધી છે.
બંધની દિલ્‍હી મેટ્રો પર અસર
ખેડૂતોના ભારત બંધની અસર દિલ્‍હી મેટ્રોની સર્વિસ પર અસર પડે છે. સુરક્ષાને જોતાં ગ્રીન લાઇનના પંડિત શ્રી રામ શર્મા મેટ્રો સ્‍ટેશન પર એન્‍ટ્રી અને એક્‍ઝિટ બંધ કરી દેવામાં આવ્‍યા છે.
ભારત બંધને જોતા પોલીસ એલર્ટ
ત્રણેય કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત યૂનિયન દ્વારા આહૂત ‘ભારત બંધ'ને જોતા દિલ્‍હી પોલીસે પહેલાં રાષ્ટ્રીય રાજધાનીની બોર્ડર પર પેટ્રોલિંગ વધારી દીધું છે અને વધારાના પોલીસકર્મીઓ ગોઠવી દેવામાં આવ્‍યા છે. આ ઉપરાંત પડોશી રાજય ઉત્તર પ્રદેશ અને હરિયાણાની પોલીસ પણ એલર્ટ પર છે.
યૂપી ગેટ
દિલ્‍હીની તરફ આવનાર તમામ ટ્રાફિક વાયા મહારજપુર, સીમાપુરી, તુલસી નિકેતનથી થઇ આગળ મોકલવામાં આવ્‍શે.
લોની બોર્ડર ઇદ્રાપુરી
લોની બોર્ડર તરફ અને આજથી દિલ્‍હી તરફ જનાર સમસ્‍ત ટ્રાફિકને વાયા લોની તિરાહા, ટીલા મોડ, ભોપુરા થઇને દિલ્‍હીની તરફ મોકલવામાં આવે.
મોદીનગર રાજચૌપાલા
મેરઠ તરફથી આવનાર સમસ્‍ત ટ્રાફિક પરતાપુર મેરઠથી જ મેરઠ-દિલ્‍હી એક્‍સપ્રેસ વે પર વાળી દેવામાં આવશે. મેરઠ તરફથી આવનાર બાકી ટ્રાફિક કાદરાબાદ મોહિદ્દીનપુરથી હાપુડ તરફ મોકલવામાં આવશે. ગાજિયાબાદથી મેરઠ જનાર તમામ ટ્રાફીક મુરાદનગર ગંગનહરથી નિવાડી તરફ મોકલવામાં આવશે.
ડાસના પેરિફેરલ વે
યૂપી પોલીસના અનુસાર સોમવારે હાપુડ અને ગાજિયાબાદથી પેરિફેરલ વે પર ટ્રાફિક ચઢશે નહી. લોકો ડાસના અથવા નોઇડા થઇને પોતાની મંજિલ પર જઇ શકશે. તો બીજી તરફ નોઇડાથી આવનાર ટ્રાફિક ગાજિયાબાદ તરફથી ઉતરીને એનએચ-૯ થઇને પોતાની મંજિલ પર પહોંચી શકશે.
હાપુડ ચુંગી-સીબીઆઇ એકેડમી
જૂના બસ અડ્ડા તરફથી આવનાર તમામ ટ્રાફિક આરડીસી ફલાઇ ઓવરથી ઉતરીને જમણી તરફ વળીને વાયા આરડીસી, હિંટ ચોક, આલ્‍ટ સેંટર, વિજળી ઘર, એનડીઆરએફ થઇને હાપુડ તરફ જઇ શકશે.
દુહાઇ પેરિફેરલ ટોલ પ્‍લાસ
મેરઠ તરફથી આવનાર ટ્રાફિક પેરિફેરલ વે ચઢી શકશે નહી. તેમણે વાયા એએલટી ચોક, મેરઠ તિરાહા થઇને પોતાની મંજિલ તરફ જવું પડશે. દુહાઇથી કોઇપણ વાહન પેરિફેરલ વે દ્વારા ડાસના તરફ જઇ શકશે નહી.

 

(11:10 am IST)