Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

૩૦ કંપનીઓ ભેગા કરશે ૪૫૦૦૦ કરોડ રૂપિયા

ઓકટોબર - નવેમ્બરમાં આવશે ઢગલાબંધ આઇપીઓ

નવી દિલ્હી તા. ૨૭ : આગામી બે મહિના એટલે કે ઓકટોબર - નવેમ્બરમાં કંપનીઓ દ્વારા ઇનીશ્યલ પબ્લીક ઓફર (આઇપીઓ) દ્વારા ભારે પ્રમાણમાં મૂડી એકઠી થવાની આશા છે. આ સમયગાળામાં ઓછામાં ઓછી ૩૦ કંપનીઓ પોતાના શેર વેચીને કુલ ૪૫૦૦૦ કરોડથી વધારે રૂપિયા ભેગા કરી શકે છે.

મર્ચંટ બેંકીંગ સૂત્રો અનુસાર આ રીતે ભેગી કરાયેલ મૂડીનો મોટો હિસ્સો ટેકનોલોજી સંબંધી કંપનીઓના ખાતામાં જશે. ફૂડ ડીલીવરી કંપની ઝોમેટોના સફળ આઇપીઓએ નવી ટેક કંપનીઓને આઇપીઓ માટે પ્રોત્સાહિત કર્યા છે. ઝોમેટોનો આઇપીઓ ૩૮ ગણો ભરાયો હતો.

એક મર્ચન્ટ બેંકીંગ સૂત્રએ જણાવ્યું કે જે કંપનીઓ ઓકટોબર - નવેમ્બરમાં આઇપીઓ દ્વારા મૂડી એકઠી કરવાની છે તેમાં પોલિસી બજાર (૬૦૧૭ કરોડ રૂપિયા), એમકોર ફાર્મા (૪૫૦૦ કરોડ), નાયકા (૪૦૦૦ કરોડ), સીએમએસ ઇન્ફોસીસ્ટમ (૨૦૦૦ કરોડ), મોબીકવીક સીસ્ટમ્સ (૧૯૦૦ કરોડ) સામેલ છે. આ ઉપરાંત નોર્ધર્ન આર્ક કેપિટલ (૧૮૦૦ કરોડ), ઇકસીગો (૧૬૦૦ કરોડ), સેફાયર ફૂડસ (૧૫૦૦ કરોડ), ફીન કેર સ્મોલ ફાઇનાન્સ બેંક (૧૩૩૦ કરોડ), સ્ટરલાઇટ પાવર (૧૨૫૦ કરોડ), રેટગેન ટ્રાવેલ ટેકનોલોજીઝ (૧૨૦૦ કરોડ) અને સુપ્રિયા લાઇફ સાયન્સ (૧૨૦૦ કરોડ) પણ પોતાના આઇપીઓ લાવી શકે છે.  એન્જલ વનના રોયે કહ્યું કે, આગામી મહિનાઓમાં કેટલાક મોટા આઇપીઓની તૈયારીનું એક કારણ મહામારી પણ અર્થવ્યવસ્થામાં આશા કરતા વધારે મજબુત સુધારો છે. ઇન્વેસ્ટ ૧૯ના સંસ્થાપક અને સીઇઓ કોશલેન્દ્રસિંહ સંેગરે કહ્યું કે જો બજારની વર્તમાન સ્થિતિ ચાલુ રહેશે તો આવતા વર્ષે આઇપીઓ વધારે આવવાની આશા છે. ટુ બિકનના સહસંસ્થાપક નિખિલ કામતે પણ આવી જ વાત કરતા કહ્યું કે જો આગામી ૧-૨ વર્ષ તેજી ચાલુ રહેશે તો મોટી સંખ્યામાં આઇપીઓ આવવાની આશા છે.

(11:46 am IST)