Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

GSTના દરોમાં થશે ફેરફાર : GOMની થઇ રચના

બેમાસમાં આપશે રીપોર્ટ : અમુક પ્રોડકટ પરના દરો બદલાશે

નવી દિલ્હી તા. ૨૭ : જીએસટીના એકથી વધારે પ્રકારના દરોમાં સુધારા માટે સરકારે કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઇના નેતૃત્વ હેઠળ એક મંત્રી સમુહની રચના કરી છે જે બે મહિનામાં ટેક્ષ રેટમાં સુધારા અને ટેક્ષના વિવિધ સ્લેબના મર્જર અંગે પોતાની ભલામણો સોંપી દેશે.

અત્યારે જીએસટીના માળખામાં પાંચ વિવિધ સ્લેબ છે, ૦ ટકા, ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા તેની સાથે અમુક ચીજો પર ૨૮ ટકા ઉપરાંત સેસ પણ લેવામાં આવે છે, તો કિંમતી પથ્થરો અને હિરા માટે ખાસ દર પણ છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારામણે ૧૭ સપ્ટેમ્બરે જાહેરાત કરી કે જીએસટી કાઉન્સીલે મંત્રી સમુહના બે ગ્રુપ બનાવવાનો નિર્ણય કર્યો છે. જેમાંથી એક ગ્રુપ ફકત ટેક્ષ રેટમાં સુધારા સૂચવશે, તે ટેક્ષ સ્લેબમાં કોઇ સુધારા નહીં સૂચવે.

નાણા મંત્રાલય દ્વારા બનાવાયેલ બોમ્માઇના ૭ સભ્યોના ગ્રુપમાં પશ્ચિમ બંગાળના નાણા પ્રધાન અમિત મિત્રા, કેરળના નાણા પ્રધાન બી એન બાલાગોપાલ ઉપરાંત જીએસટી કાઉન્સીલના ગોવા, બિહાર, યુપી અને રાજસ્થાનના સભ્યો રહેશે. આ સમુહને જીએસટી રેટના માળખામાં તાત્કાલિક સુધારાઓ સૂચવવાની સાથે સાથે ટુંકા અને લાંબાગાળાના સુધારાઓ માટેનો રોડમેપ તૈયાર કરવા પણ કહેવાયું છે.

(11:46 am IST)