Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

REETની પરીક્ષામાં ચોરી માટે ભેજાબાજોએ લગાવ્યું દિમાગ

રાજસ્થાનમાં REET પરીક્ષા માટે 'ચીટીંગ ચપ્પલ'નો ઉપયોગ : કિંમત ૬ લાખ રૂપિયા : તેમાં બ્લૂ ટુથ ડિવાઇસ વડે ચોરી કરાવવામાં આવતી હતી

જયપુર તા. ૨૭ : પરીક્ષામાં નકલ કરવા માટે ભેજાબાજો દ્વારા અનેક અક્કલો લગાવતાં હોય છે. અને તેમાં પણ આજના હાઈટેક યુગમાં નકલ પણ હાઈટેક થઈ ગઈ છે. હવે લોકો બ્લૂટૂથ ડિવાઈસ દ્વારા જ નકલો કરી રહ્યા છે. પણ તમે કયારેય સાંભળ્યું છે કે, નકલ કરવા માટે હાઈટેક ચપ્પલોનો ઉપયોગ થયો હોય. તો રાજસ્થાનમાં શિક્ષક પાત્રતા પરીક્ષામાં આવા જ હાઈટેક ચીટિંગ ચપ્પલો વડે ચોરી કરવાનું સ્કેમ સામે આવ્યું છે. આ ચપ્પલોની અંદર ડિવાઈસ છૂપાઈને રાખવામાં આવતું હતું. અને માર્કેટમાં તેને ૬ લાખ રૂપિયા સુધી વેચવામાં આવતાં હતા.

રાજસ્થાનમાં રીટ પરીક્ષામાં ચીટિંગને રોકવા માટે પોલીસે પણ તડામાર તૈયારીઓ કરી છે. બીકાનેર પોલીસના હાથે ૩ લોકો ઝડપાયા હતા, જે ચીટિંગ ચપ્પલ દ્વારા નકલ કરાવતા હતા. અને આ તપાસમાં બાદમાં આખી ગેંગનો પર્દાફાશ થયો હતો. રીટ પરીક્ષામાં પરીક્ષા આપવા માટે માત્ર ચપ્પલ પહેરીને જ જવા માટેનો નિયમ બનાવવામાં આવ્યો હતો. જેથી આ ગેંગ દ્વારા ચોરી માટે હાઈટેક ચપ્પલ બનાવવામાં આવ્યા હતા.

આ ચપ્પલની અંદર એક બ્લુટૂથ ડિવાઈસ ફિટ કરવામાં આવ્યું હતું. પરીક્ષા ખંડમાં બેસ્યા બાદ ઉમેદવાર આ બ્લુટૂથ ડિવાઈસને પોતાના કાનમાં પહેરી લેતો હતો. અને પરીક્ષા કેન્દ્રની બહાર ઉભેલો વ્યકિત મોબાઈલ દ્વારા તેને નકલ કરાવતો હતો. પણ પોલીસે ચીટિંગ ચપ્પલ ગેંગનો પર્દાફાશ કરી દીધો હતો. અને ૩ લોકોને ઝડપી પાડ્યા હતા.

આ ચપ્પલની કિંમત જાણીને તમારા હોંશ ઉડી જશે. આ ચપ્પલની કિંમત ૬ લાખ રૂપિયા છે. સરકારી પરીક્ષામાં નકલ કરીને પાસ થવા માટે ઉમેદવારો આ કિંમત પણ આપવા તૈયાર થઈ જાય છે. હવે બીકાનેર સહિત રાજસ્થાનના અન્ય જિલ્લાઓમાં પણ આ જ પ્રકારને ચીટિંગ ચપ્પલના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એટલે કે હવે કેટલાં ચીટિંગ ચપ્પલો તૈયાર કરવામાં આવ્યા છે, તેને લઈને સત્તાવાર કોઈ માહિતી સામે આવી નથી. આ ચીટિંગ ચપ્પલોનો માસ્ટર માઈન્ડ કોણ છે અને કોણે આ ચપ્પલો બનાવવાની ફેકટરી ખોલી છે તેને લઈને પોલીસે તપાસ અભિયાન શરૂ કરી દીધું છે.

(1:06 pm IST)