Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

પાક.માં ઝીણાની પ્રતિમા બોમ્બથી ઊડાવી દેવાઈ

બલૂચ લિબરેશન ફ્રન્ટે હુમલાની જવાબદારી સ્વીકારી : સુરક્ષિત ક્ષેત્ર ગણાતા મરીન ડ્રાઈવ ખાતે જૂન મહિનામાં સ્થાપિત કરવામાં આવેલી પ્રતિમા વિસ્ફોટમાં નષ્ટ થઈ

કરાંચી, તા.૨૭ : બલૂચ વિદ્રોહીઓએ પાકિસ્તાનના ગ્વાદર શહેરમાં રવિવારે બોમ્બ વડે હુમલો કરીને પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની પ્રતિમાને નષ્ટ કરી દીધી હતી. પ્રતિબંધિત બલૂચ લિબરેશન ફ્રન્ટે હુમલાની જવાબદારી સ્વીકારી છે. સુરક્ષિત ક્ષેત્ર ગણાતા મરીન ડ્રાઈવ ખાતે જૂન મહિનામાં સ્થાપિત કરવામાં આવેલી પ્રતિમાને રવિવારે સવારે બલૂચ વિદ્રોહીઓએ વિસ્ફોટકો વડે ઉડાવી દીધી હતી. જાણવા મળ્યા મુજબ વિસ્ફોટમાં મૂર્તિ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે.

પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન બલૂચ રિપબ્લિકન આર્મીના પ્રવક્તા બબગર બલૂચે ટ્વીટરના માધ્યમથી વિસ્ફોટની જવાબદારી સ્વીકારી હતી. ગ્વાદરના ડેપ્યુટી કમિશનર (સેવાનિવૃત્ત) અબ્દુલ કબીર ખાનના કહેવા પ્રમાણે કેસની ઉચ્ચતમ સ્તરે તપાસ કરવામાં આવી રહી છે.

પૂર્વ મેજર અબ્દુલ ખાનના કહેવા પ્રમાણે તમામ વિદ્રોહીઓએ પર્યટકોના વેશમાં ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો અને વિસ્ફોટકો લગાવીને જિન્નાહ (ઝીણા)ની પ્રતિમાને નષ્ટ કરી દીધી હતી. હાલ કેસમાં કોઈની ધરપકડ નથી થઈ પરંતુ - દિવસમાં તપાસ પૂરી કરી લેવામાં આવશે. કેસની તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ થઈ રહી છે અને શક્ય તેટલી ઝડપથી દોષીઓને પકડી લેવામાં આવશે.

બલૂચિસ્તાનના પૂર્વ ગૃહ મંત્રી અને વર્તમાન સીનેટર સરફરાજ બુગતીએ ટ્વીટમાં લખ્યું હતું કે, ગ્વાદર ખાતે કાયદ--આઝમની પ્રતિમાને પાડી દેવી તે પાકિસ્તાનની વિચારધારા પરનો હુમલો છે. હું અધિકારીઓને અપરાધીઓને એવી રીતે દંડિત કરવા વિનંતી કરૂ છું જેવી રીતે જિયારતમાં કાયદ--આઝમ નિવાસ પર હુમલા માટે કરાયા હતા.

અગાઉ ૨૦૧૩માં બલૂચ વિદ્રોહીઓએ જિયારત ખાતે ઝીણાની ૧૨૧ વર્ષ જૂની ઈમારતને વિસ્ફોટ દ્વારા ઉડાવી દીધી હતી. વિસ્ફોટના કારણે તે ઈમારતમાં ભીષણ આગ લાગી ગઈ હતી જે આશરે કલાક સુધી ભભૂકતી રહી હતી. ક્ષય રોગના કારણે ઝીણાએ પોતાના જીવનના અંતિમ દિવસો ત્યાં વિતાવ્યા હતા. બાદમાં તે ઈમારત રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવામાં આવી હતી.

(7:59 pm IST)